Dakshin Gujarat

દારૂ ભરેલી સ્વિફટ કારનું પાયલોટિંગ ફોર્ચ્યુનર પાસે કરાવ્યું, બારડોલીના બુટલેગરોનો જબરો ઠાઠ

બારડોલી : બારડોલી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવતા ઇસરોલી ગામની સીમમાં ત્રણવલ્લા ઓવરબ્રિજ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ એક કારને ઝડપી પાડી હતી. જો કે કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારમાંથી 2.65 લાખથી વધુનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસને જોઈને અન્ય બે કાર ચાલકો કાર લઈને નાસી છૂટ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરેલી કાર્યવાહીથી બારડોલી ટાઉન પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે.

  • સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી બારડોલી ટાઉન પોલીસમાં ફફડાટ
  • પોલીસે કારમાંથી 2.65 લાખથી વધુનો વિદેશી દારૂ કબ્જે કર્યો
  • પોલીસને જોઈને બે કાર ચાલકો કાર લઈને નાસી છૂટ્યા

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મંગળવારના રોજ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા સુરત નેશનલ હાઇવે નંબર 53 પર બે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને વ્યારા તરફથી આવી બારડોલી ટાઉનમાં કાર્ટિંગ માટે જનાર છે અને તેનું પાયલોટિંગ એક ફોર્ચ્યુનર કારનો ચાલક કરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્રણેય કાર ત્રણ વલ્લા ઓવરબ્રિજ નીચે આવી ઊભી રહેતા જ પોલીસ ખાનગી વાહનમાં નજીક પહોંચી હતી. ત્યારે ફોર્ચ્યનર કારના ચાલકે પોલીસને ઓળખી લેતા બૂમ પાડી સ્થળ પરથી કાર લઈને નાસી છૂટ્યો હતો તેની સાથે અન્ય સ્વિફ્ટ કાર પણ નાસી જવામાં સફળ રહી હતી.

જો કે પોલીસે એક કારની આગળ આડશ મૂકી દીધી હતી. પરંતુ કાર ચાલક શેરડીના ખેતરમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારમાં તલાશી લેતા અંદરથી 1672 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 2 લાખ 65 હજાર 300 રૂપિયા મળી આવ્યો હતો. પોલીસે પાંચ લાખની કિમતની કાર સહિત કુલ 7 લાખ 65 હજાર 300 રૂપિયાનો સામાન કબ્જે કરી બારડોલી ટાઉન પોલીસમાં ગુનો નોંધ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ બારડોલી ગ્રામ્ય પોલીસના પીએસઆઇ વસાવા કરી રહ્યા છે.

Most Popular

To Top