વડોદરા: પારુલ યુનિવર્સીટીના ફિઝીયોથેરાપી વિભાગની ભૂતપૂર્વ શિક્ષિકાએ યુનિવર્સીટીના નાયબ કુલસચિવ વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે અન્ય શિક્ષક વિરુદ્ધ નોંધાવેલ બળાત્કારનો ગુનો દબાવી દેવાના ઉદેશ્યથી નાયબ કુલ સચિવે શિક્ષિકાની બદનામીનો પત્ર જાહેર કર્યો હોવાથી નાયબ કુલ સચિવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પારુલ યુનિવર્સીટીના ફિઝીયોથેરાપી વિભાગની ભૂતપૂર્વ શિક્ષિકાએ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 8 જાન્યુઆરી 2021ના રોજ વાઘોડિયા પોલીસ મથકમાં સહકર્મી નવજ્યોતકુમાર શાંતિલાલ ત્રિવેદી (રહે, પાલનપુર) વિરુદ્ધ બળાત્કાર તેમજ ધાક ધમકી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
વાઘોડિયા પોલીસ મથકમાં શિક્ષિકાએ ફરિયાદ નોંધાયાબાદ તા. 9 જાન્યુઆટીના રોજ સાંજના 5 વાગ્યે શિક્ષિકા એસ એસજી હોસ્પિટલ ખાતે પોતાનું મેડિકલ ચકાસણી કરાવી રહી હતી. તે દરમિયાન સોશિયલ મીડિયા પર પારુલ યુનિવર્સીટીના લેટરપેડ ઉપર પારુલ યુનિવર્સીટીના નાયબ કુલ સચિવ ડો. અજીત ગેંગવાણેના નામથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ તે પત્ર વોટસએપ મારફતે શિક્ષિકાને મળ્યો હતો.
પત્રમાં બળાત્કારની આઇપીસી કલમ 376 સાથે શિક્ષિકાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અને તેમાં પીડિતા તરીકે શિક્ષિકાની ઓળખ જાહેર થાય તે ઉદેશ્ય સાથે પબ્લિશ કરી વાયરલ કરવામાં આવ્યો હતો. આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. તેમજ યુનિવર્સીટી દ્વારા શહેરના તમામ ન્યુઝ પેપરમાં ડો. અજિત ગંગવાણેના નામ સાથે જાહેરાત પ્રસિધ્ધી કરવા માહિતી આપી હતી. જેના કારણે શિક્ષીકાની સમાજમાં બદનામી થઇ હતી. સામાજિક બહિષ્કારનો ભોગ બન્યા હતા અને નૈતિકતા અને ચારિત્ર્ય પર લાંછન લાગે તેવો પ્રશ્ન ઉભો થયો હતો. તેમજ સમાજમાં એક સામાન્ય નાગરિક તરીકે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.
આમ ડો. અજિત ગંગવાણે દ્વારા બદનક્ષી કારક લખાણ પ્રસિદ્ધ કરી બળાત્કારનો ભોગ બનેલને સુપ્રીમ કોર્ટના ચુકાદા તેમજ ભારત સરકારના મહિલા સુરક્ષા વિભાગની સૂચના અને કાયદાની જોગવાઈ મુજબ ભોગ બનનારનું નામ જાહેર ન થાય તેમ છતાં જાહેર કરી વાયરલ કર્યો હોવાથી પારુલ યુનિ.ની ભૂતપૂર્વ શિક્ષિકાએ પારુલ યુનિનાં નાયબ કુલ સચિવ ડો. અજીત ગેંગવાણે વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાયબ કુલ સચિવ ડો. અજીત ગેંગવાણે સામે ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરતા યુનિવર્સીટી સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો. યુનિવર્સીટીના આદ્યસ્થાપક એવા સ્વર્ગીય જયેશ પટેલ પણ બળાત્કારના ગુનામાં જેલવાસ વેઠતા વેઠતા જ મૃત્યુ પામ્યા હતા. તે જ યુનિવર્સીટીના તેવા જ કથિત બનાવમાં વધુ એકવાર યુનિવર્સીટીમાં બનાવથી બદનામીના કલંકનો કાળો ડાઘ લાગ્યો હતો. પીડિતાના પ્રકરણ સંદર્ભે નાયબ કુલ સચિવ સાથે અન્ય કેટલાક પ્રોફેસરો સંચાલકો સંડોવાયેલા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.