Comments

ICICI બેન્કનાં ભૂતપૂર્વ CEO ચંદા કોચરની પદ્મભૂષણથી જેલ સુધીની સફર

બેન્કિંગનો ઉદ્યોગ કોલસાની ખાણ જેવો બની ગયો છે. રિઝર્વ બેન્કના કાયદાઓ દ્વારા બેન્કોને જે લાઇસન્સ આપવામાં આવે છે, તેમાં તેઓ હવામાંથી અબજો રૂપિયા પેદા કરીને તેને લોન તરીકે આપી શકે છે. તેમાં શરત એટલી જ હોય છે કે આ લોન પાછી આવવી જોઈએ. જો લોન તેના નિયત સમયમાં પાછી ન આવે તો બેન્કની બેલેન્સ શીટ ખરાબ થઈ જાય છે અને છેવટે બેન્ક ફડચામાં જાય છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ માટે બેન્કો દૂઝણી ગાય જેવી બની ગઈ છે. તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને જેટલા પૈસા જોઈએ તેટલા લોન તરીકે મેળવી શકે છે.

દેશના ટોચના ઉદ્યોગપતિઓનો ધંધો બેન્કો પાસેથી ઉધાર લીધેલા રૂપિયા પર જ ચાલતો હોય છે. આ કારણે બેન્કના અધિકારીઓની કિંમત બહુ વધી જાય છે. તેમને જે ઉદ્યોગપતિ વહાલા હોય તેમની લોન ધડાધડ પાસ થઈ જાય છે, જ્યારે દવલા ઉદ્યોગપતિઓ લટકી જાય છે. બેન્કોના અધિકારીઓ ઉદ્યોગપતિઓ પાસેથી તગડી લાંચ લઈને તેમને અબજો રૂપિયાની ખેરાત લોનના રૂપમાં કરતા હોય છે. ઉદ્યોગપતિઓ લોન ચૂકવી ન શકે તો બેન્કોના રૂપિયા ડૂબી જાય છે, પણ લોન મંજૂર કરનારા બેન્કોના અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. આ કહાણીમાં આઈસીઆઈસીઆઈ બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર એક અપવાદ છે.

ચંદા કોચરની ગણતરી દેશનાં ટોચનાં બેન્કર તરીકે થતી હતી. ૪૭ વર્ષની ઉંમરે તેઓ ભારતની નંબર વન પ્રાઇવેટ બેન્કનાં સીઈઓ બન્યાં હતાં. ફોર્ચ્યુન મેગેઝિને સતત પાંચ વર્ષ સુધી ભારતની સૌથી શક્તિશાળી બિઝનેસ વુમનનો ખિતાબ ચંદા કોચરને આપ્યો હતો. ૨૦૧૫માં ટાઇમ મેગેઝિને વિશ્વના ૧૦૦ સૌથી શક્તિશાળી લોકોની યાદી બહાર પાડી તેમાં ચંદા કોચરનું નામ પણ હતું. ભારત સરકારે તેમને દેશનો ત્રીજા નંબરનો સર્વોચ્ચ ખિતાબ પદ્મભૂષણ આપ્યો હતો. તેમ છતાં તેમણે લાંચના રૂપિયા સામે લોન આપવાનું મોટું કૌભાંડ કર્યું તેને કારણે આજે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર જેલની ચક્કી પીસી રહ્યા છે.

સીબીઆઈએ તા.૨૩ ડિસેમ્બરના ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી તેના આગલા દિવસે તેમણે તેમના પુત્ર અર્જુનના લગ્નનાં આમંત્રણો દેશના ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને બેન્કરોને મોકલ્યાં હતાં. અર્જુન કોચરનાં ડેસ્ટિનેશન વેડીંગ માટે જેસલમેરનો આખો મહેલ બુક કરાવવામાં આવ્યો છે. તા. ૭ જાન્યુઆરીના રિસેપ્શન માટે મુંબઈની તાજ હોટેલમાં બુકિંગ થઈ ગયું છે. ૨૫ ડિસેમ્બરના લગ્નના સમારંભો ચાલુ થઈ જવાના હતા. તે ટાંકણે જ ચંદા કોચરની અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરાવવા દ્વારા ભાજપના મોરચાની સરકાર પ્રજાને સંદેશો આપવા માગે છે કે તેમની સરકાર સૂટબૂટ પહેરનારાને પણ જેલમાં મોકલી શકે છે.

વીડિયોકોન લોન કૌભાંડ પર આટલા સમય સુધી પડદો પડી રહ્યો તેનું કારણ આઇસીઆઇસીઆઇ બેન્કનાં ભૂતપૂર્વ સીઇઓ ચંદા કોચરની ઇમેજ હતી. ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૧૯૮૪માં ટ્રેઇની તરીકે જોડાયાં હતાં, પણ તેમની બુદ્ધિપ્રતિભાને બળે ૨૦૦૧માં બેન્કનાં ડિરેક્ટર બન્યાં હતાં. ઇ.સ.૨૦૦૯માં તેમને બેન્કનાં મેનેજીંગ ડિરેક્ટર કમ સીઇઓ તરીકે બઢતી આપવામાં આવી ત્યારથી તેઓ તે હોદ્દા પર હતા. ચંદા કોચરના પતિ દિપક કોચર બજાજ કોલેજમાંથી એમબીએ થયેલા છે. તેમને સૌર ઉર્જાના ક્ષેત્રનો કોઇ અનુભવ નથી. સવાલ એ થાય છે કે જો દિપક કોચર ચંદા કોચરના પતિ ન હોત તો તેમની કંપનીમાં વીડિયોકોન જૂથ ૩૨૫ + ૬૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર થાત ખરું? દિપક કોચર વાહિયાત દલીલ કરે છે કે , હું ચંદા કોચરનો પતિ છું, માટે શું મારે ઘરે બેસી રહેવાનું? મારે કોઇ ધંધો નહીં કરવાનો?

આઇસીઆઇસીઆઇ બેન્કના તેમ જ વીડિયોકોન કંપનીના શેરહોલ્ડર અરવિંદ ગુપ્તાના ખ્યાલમાં આ પ્રકરણ આવ્યું તે પછી તેમણે વડા પ્રધાનની કચેરીને પત્ર લખીને તેની જાણ કરી હતી. વડા પ્રધાનની કચેરી દ્વારા સીબીઆઇને આ કિસ્સામાં પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. અરવિંદ ગુપ્તાની ફરિયાદ પર કોઈ પણ એજન્સી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં, કારણ કે તત્કાલીન નાણાં પ્રધાન અરૂણ જેટલી ચંદા કોચરના મેન્ટર હતા. અરવિંદ ગુપ્તા ૨૦૧૮ના માર્ચ સુધી ફરિયાદની નકલો લઈને બધા મીડિયા હાઉસમાં ફરી વળ્યા, પણ તેમની ગંભીર ફરિયાદ પ્રકાશિત કરવાની હિંમત કોઈ મીડિયા હાઉસે કરી નહોતી.

તેનું કારણ હતું કે આ તમામ મીડિયા હાઉસને આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી કરોડો રૂપિયાની જાહેરખબરો આપવામાં આવતી હતી. ઘણા મીડિયા હાઉસોને તો બેન્ક તરફથી હળવી શરતે લોન પણ મળતી હતી. એનડીટીવીના પ્રણોય રોયને તો આઈસીઆઈસીઆઈ બેન્ક તરફથી ૪૫ કરોડ રૂપિયાની લોન મળી હતી, જેનો ઉપયોગ તેમણે દક્ષિણ આફ્રિકામાં વૈભવશાળી બંગલો ખરીદવા માટે કર્યો હતો. કેટલાક મીડિયા હાઉસોના પત્રકારો તો અરવિંદ ગુપ્તાની ફરિયાદની નકલ લઈને ચંદા કોચર પાસે પહોંચી ગયા હતા. તેમણે ચંદા કોચર પાસેથી તગડી રકમ પડાવીને ફરિયાદને પ્રસિદ્ધિ આપી નહોતી.
ચંદા કોચર જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કનાં સીઇઓ બન્યાં ત્યારે કહેવાતું હતું કે ભારતની નારી હવે ખરેખર પુરુષ સમોવડી બની ગઇ છે.

હવે ચંદા કોચર સામે ઠગાઇનો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે ત્યારે કહેવું પડશે કે પુરુષોનો ઇજારો ગણાતા ફ્રોડના ક્ષેત્રમાં પણ ભારતની નારી પુરુષ સમોવડી બની ગઇ છે. તેથી પુરવાર થાય છે કે પુરુષ હોય કે સ્ત્રી, જેની પાસે સત્તા આવે છે તેઓ ભ્રષ્ટ થયા વિના રહેતા નથી. ચંદા કોચરના કેસમાં વ્હિસલબ્લોઅરની ભૂમિકા ભજવનારા અરવિંદ ગુપ્તા કહે છે કે વિડિયોકોન સિવાય પણ દેવાળું ફૂંકનારી ઘણી કંપનીઓને આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા લોનો આપવામાં આવી હતી. તેમાં ચંદા કોચર ઉપરાંત બેન્કના ઘણા ટોચના અધિકારીઓની સંડોવણી હતી. તેમાં આઇસીઆઇસીઆઇ બેન્કના વર્તમાન સીઇઓ સંદીપ બક્ષીનો પણ સમાવેશ થઇ જાય છે. આ બધાં પ્રકરણોની પણ તપાસ થવી જોઇએ.

જાહેર ક્ષેત્રની બેન્કના એક અધિકારી ચંદા કોચરના કેસમાં સીબીઆઇની ઢીલાશ બાબતમાં પણ સવાલો ઊભા કરે છે. આઇસીઆઇસીઆઇ બેન્કે વિડિયોકોન જૂથને ૩,૨૫૦ કરોડ રૂપિયાની લોન છેક ૨૦૧૨માં આપી હતી. તેમાં કૌભાંડ આચરાયું હોવાના હેવાલો ૨૦૧૮ ના માર્ચ મહિનામાં વહેતા થયા હતા. ત્યાર બાદ ચંદા કોચરે ૨૦૧૮ ના ઓક્ટોબર મહિનામાં રાજીનામું આપ્યું હતું. સીબીઆઇ દ્વારા કેસ ફાઇલ કરવામાં ૧૦ મહિનાની ઢીલ કરવામાં આવી હતી. તેની સરખામણીએ જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ બહાર આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં હતાં.

વિડિયોકોનને લોન આપવામાં કૌભાંડ થયું છે, તેવા સમાચારો પહેલવહેલા ૨૦૧૬માં વહેતા થયા હતા. ત્યાર બાદ ચંદા કોચરને બચાવવા તપાસ કરવાનું નાટક કરવામાં આવ્યું હતું. જ્યારે કૌભાંડની વિગતો બહાર આવી ત્યારે આ હેવાલ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે ચંદા કોચરના કેસમાં અંગત રસ લેવા માંડ્યા હતા અને તેઓ સીબીઆઈને આદેશો પણ આપતા હતા. તેને કારણે સીબીઆઈને ૨૦૧૯ના જાન્યુઆરીમાં ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર સામે ફરિયાદ રજિસ્ટર કરવાની ફરજ પડી હતી અને કેસ આગળ વધ્યો હતો.

Most Popular

To Top