ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા પક્ષ પલટાની મૌસમ પણ આવી ગઈ છે. ત્યારે આ ચુંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા(Mahendra Singh Baraiya) આજે ભાજપ(BJP) જોડાયા છે. સાબરકાંઠાનાં પ્રાંતિજનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ગઇકાલે તેઓએ કોંગ્રેસને અલવિદા કહી કહી દીધું હતું અને આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે તેઓનું પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
દેશના વિકાસની રાજનીતિ માટે હું ભાજપમાં જોડાયો: મહેન્દ્ર સિંહ બારૈયા
મહેન્દ્ર સિંહ બારૈયાએ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, ‘આજે શ્રાવણ માસના શુભ દિને હું ભાજપમાં જોડાયો છું. દેશના વિકાસની રાજનીતિ માટે હું ભાજપમાં જોડાયો છું. ગુજરાતનો વિકાસ થયો છે, તે માટે ભાજપમાં જોડાયો છું. કોંગેસના MLA ચૂંટાયા છતાં વિકાસની રાજનીતિના કારણે ક્યારેય તકલીફ નથી પડી. વિકાસના કામો અંગે સરકારે ક્યારેય ના નથી પાડી.’ તમને જણાવી દઇએ કે, ભારે અટકળો બાદ સાબરકાંઠામાં પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયાએ ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ગઇકાલે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અંતે તેઓ આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે.
પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય કારકિર્દી
પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓએ 1998થી રાજકારણમાં ડગલું માંડયું હતું. જ્યાં તેઓ પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી બન્યા હતા. તો બીજી બાજુ 2002માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનું પણ પદ સંભાળ્યું હતું. વર્ષ 2002 અને 2007માં પ્રાંતિજ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મુખ્ય એજન્ટ રહ્યાં હતા. એ સિવાય તેઓ પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં 2007 અને 2010માં બે વાર ડિરેક્ટરના પદે પણ રહ્યાં હતા. બાદમાં તેઓને 2009માં લોકસભામાં પ્રાંતિજ-તલોદ વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય ઇન્ચાર્જની જવાબદારી પણ પક્ષ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ તેઓએ કામગીરી કરી હતી. ત્યાર બાદ 2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી વિજયી થયા હતા. આ સાથે તાલુકા પંચાયતની પાંચેય બેઠકો પણ તેઓએ વિજયી બનાવી હતી. બાદમાં 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પણ રહ્યાં હતા. 1985 બાદ ભાજપની આ બેઠક હતી તો આ બેઠક પર સીટીંગ ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણને 7051 મતે હરાવીને કોંગ્રેસને બેઠક અપાવી હતી. ત્યાર બાદ 2017માં ફરીથી મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવાર રહ્યાં હતા કે જ્યાં 2551 મતથી તેઓની હાર થઇ હતી.