Gujarat Main

પૂર્વ CM વિજય રૂપાણીએ કોંગ્રેસને નોટિસ ફટકારી, કહ્યું કે 15 દિવસમાં માફી નહીં માંગે તો…

ગુજરાત: ગુજરાતના (Gujarat) પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Vijay Rupani) સરકારમાં ભાજપના (BJP) નેતાઓ પર કોંગેસે 500 કરોડનો કથિત ભ્રષ્ટાચાર (Corruption) કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે તેથી તે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી મને બદનામ કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની આ બધી ચાલ છે. જે અંગે આજે રૂપાણીએ કાયદાનો સહારો લઈ કોંગ્રેસને (Congress) નોટિસ (Notice) ફટકારી છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસે 500 કરોડના કૌંભાડ રૂપાણી સરકારે કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી પર કરાયેલા 500 કરોડના આરોપના કેસમાં વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. રૂપાણીએ આજે વકીલ મારફતે કોંગ્રેસને નોટિસ મોકલી છે. અને જો 15 દિવસમાં કોંગ્રેસ લેખિતમાં માફી નહીં માંગે તો બદનક્ષીનો દાવો કરવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ યોજીને આણંદપરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ રૂપાણી પર લગાવ્યો હતો.

વિજય રૂપાણી જ્યારે ભાજપ સરકારમાં મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રૂપાણીએ 500 કરોડનું જમીન કૌંભાડ કર્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો. રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ કરેલા આક્ષેપને પાયાવિહોણા ગણાવતા વિજય રૂપાણીએ અમેરિકાથી જણાવ્યું છે કે, મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકામાં રહે છે, છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિવાર સાથે રહેવાનો મોકો બહું ઓછો મળ્યો છે, હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ થોડો સમયથી હું અમેરિકા આવી ગયો છું. સાડા પાંચ દસકથી સતત સેવાકીય – રાજકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલો છું. મારા પર કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે.

વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી, 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ કર્યું નથી. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કમળો હોય તેને બધું પીળું જ દેખાવવાનું છે. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય કશું દેખાતું જ નથી. તેમણે કહ્યું કે કોઈપણ જાતની તપાસ માટે હું તૈયાર છું, કારણ કે સાચને ક્યારેય આંચ આવતી નથી. કોંગ્રેસ નેતાઓએ કરેલો 500 કરોડાના કૌંભાડ આક્ષેપો પાયાવિહોણા અને તદ્દન જુઠ્ઠા છે.

વધુમાં તેમણે કહ્યું કે રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે જમીન ફેરબદલની મેં મંજૂરી આપી છે અને આ જમીન હેતુ ફેરબદલની મંજૂરીમાં કે અન્ય કોઈપણ બાબતમાં કૌભાંડ કે ગોટાળાને કોઈ સ્થાન જ નથી, કશું ખોટું થયાનો સવાલ જ નથી. જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ છે. મને અનેક વખત બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યો છે. મારુ રાજકીય કારકીર્દીને બદનામ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા હતા. જેમાં ભાગરૂપે હવે આ 500 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ મુકવામાં આવ્યો છે જે તદ્દન પુરાવા વિહોણો છે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે કઈ નહીં હોય તો મનફાવે એમ બકવાસ કરે છે. કારણ કે ઔદ્યોગિક રાજકોટના વિકાસ માટે મેં જમીનની મંજૂરી આપી છે, તે જુદી છે. રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ થઈ છે, ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરબદલ થઈ નથી. શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય છે. આ સિવાય કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે? આટલું જ નહીં પરંતુ મેં ક્યારેય ખોટું કર્યું નથી અને ખોટું કરીશ પણ નહીં એટલે કોઈપણ પ્રકારની તપાસ માટે હું તૈયાર છું.

Most Popular

To Top