નડિયાદ: નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં એક વિદેશી મહિલા મકાનની ગેલેરીમાં બારીનું સ્લાઇડર લોક થઇ જતાં ફસાઇ ગઇ હતી. જે બુમાબુમ કરતાં તેમને ફાયરબ્રિગેડની મદદથી સલામત બચાવી લીધા હતાં. નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આવેલ નેક્સસ-4 એપાર્ટમેન્ટના બીજા માળે રહેવા આવેલ 64 વર્ષીય મારીયા એલીઝાબેથ નામની બ્રાઝિલિયન મહિલા રવિવારના રોજ સવારે પોતાના મકાનની ગેલેરીમાં આવ્યાં હતાં. દરમિયાન ગેલેરીની બારીનું સ્લાઈડર અંદરથી લોક થઈ ગયું હતું. જેથી મારીયા ગેલેરીમાં ફસાઈ ગઈ હતી. મારીયાએ સ્લાઈડર ખોલવા માટે ઘણી મહેનત કરી, પરંતુ તે નાકામ રહી હતી. જેથી તેણે બુમો પાડી મદદ માંગી હતી.
જેથી સ્થાનિકો મદદ માટે એકઠાં થઈ ગયાં હતાં. પરંતુ, મારીયા બ્રાઝિલ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા જાણતી ન હોવાથી સ્થાનિકોને સમજવામાં ઘણી તકલીફ પડી હતી. જોકે, ઈશારાથી ઈશારાની ભાષાથી સ્થાનિકો વિદેશી મહિલાની તકલીફ સમજી ગયા હતાં અને તરત જ ફાયરબ્રિગેડની ટીમ બોલાવી લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમ સીડીની મદદથી બીજા માળે મારીયા એલીયાઝાબેથના મકાનની બીજી ગેલેરીમાં પહોંચી હતી. જ્યાં રસોડાની બારી ખુલ્લી હોઈ, તેમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી બારીનું ગેલેરીમાં ફસાયેલી વિદેશી મહિલાને સહી સલામત બચાવી લીધી હતી. વિદેશી મહિલાએ ફાયરબ્રિગેડની ટીમ તેમજ સ્થાનિકોનો આભાર માન્યો હતો.