નવી દિલ્હી : દેશ (INDIA)માં કોરોના (CORONA)ની બીજી લહેર (SECOND WAVE)ને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝન અધવચ્ચે સ્થગિત કરી દેવાયા પછી હવે આઇપીએલ રમવા આવેલા વિદેશી ખેલાડીઓ (FOREIGN PLAYER)ની ઘરવાપસી (RETURN HOME) શરૂ થઇ છે. ઓસ્ટ્રલિયન (AUSTRALIAN) ખેલાડીઓ માલદીવ જવા માટે રવાના થઇ ગયા છે, જ્યારે દક્ષિણ આફ્રિકન (AFRICAN) ખેલાડીઓ પણ પોતાના દેશ જવા રવાના થયા છે. ન્યુઝીલેન્ડના ચાર ખેલાડીઓને બાદ કરતાં બાકીના ખેલાડીઓ શુક્રવારે ઘરભેગા થવા રવાના થશે.
કોરોના પોઝિટિવ માઇક હસીને બાદ કરતાં ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટેટર મળીને 40 ઓસ્ટ્રેલિયનો માલદીવ રવાના થઇ ગયા છે અને ત્યાં તેઓ 15મી મેએ ટ્રાવેલ પ્રતિબંધોનો અંત આવે ત્યાં સુધી રાહ જોશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, કોચ, મેચ અધિકારીઓ અને કોમેન્ટેટર સલામત રીતે ભારતથી ઉડ્ડયન કરીને માલદીવ જવા રવાના થઇ ગયા હોવાની અમે પુષ્ટિ કરીએ છીએ.
આ તરફ આઇપીએલમાં ભાગ લેનારા 11 દક્ષિણ આફ્રિકનો સીધા જોહનીસબર્ગ જવા રવાના થઇ ગયા છે. ન્યુઝીલેન્ડના ચાર ખેલાડીઓને બાદ કરતાં બાકીના ખેલાડીઓ શુક્રવારે સ્વદેશ જવા રવાના થશે એવું ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જણાવાયું હતું. એનઝેડસીના મુખ્ય કાર્યકારી ડેવિડ વાઇટે ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું હતું કે ખેલાડીઓની વાપસી માટે અમે બીસીસીઆઇ અને વિવિધ આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથે અલગઅલગ વ્યુહરચનાઓ પર કામ કર્યું છે અને આ પડકારજનક સમયે અમે તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ. ન્યુઝીલેન્ડના 10 ખેલાડી સહિત કુલ 17 વ્યક્તિ આઇપીએલ સાથે જોડાયેલા હતા. ભારતથી ન્યુઝીલેન્ડ પરત ફરનારાઓમાં સ્ટીફન ફ્લેમિંગ, બ્રેન્ડન મેકુલમ, કાઇલ મિલ્સ, શેન બોન્ડ, માઇક હેસન, ટિમ સિફર્ટ, એડમ મિલ્ને, સ્કોટ કગલૈન અને જેમ્સ પેમેન્ટ સામેલ છે.
વિલિયમ્સન સહિતના કીવી ટેસ્ટ ટીમના 4 સભ્યો 11 મેએ સીધા બ્રિટન રવાના થશે : એનઝેડસી
ક્રાઇસ્ટચર્ચ, તા. 06 : આઇપીએલ સ્થગિત થયા પછી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન સહિતના કીવી ટીમના ચાર સભ્યો હાલ ભારતમાં જ રોકાઇને 11મી મેના રોજ સીધા બ્રિટન રવાના થશે એવું ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જણાવાયું છે. વિલિયમ્સન ઉપરાંત ઝડપી બોલર કાઇલ જેમિસન, ઓફ સ્પિનર મિચેલ સેન્ટનર ઉપરાંત ફિઝિયો ટોમી સિમસેક 11મીએ બ્રિટન રવાના થતા પહેલા ત્યાં સુધી નવી દિલ્હીમાં જ બાયો સિક્યોર માહોલમાં રહેશે.