આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ પેટ્રોલીંગ દરમિયાન ધર્મજ – તારાપુર ધોરી માર્ગ પર આવેલા રામોદડી ગામ પાસે આવેલી આશિર્વાદ હોટલમાં પાર્ક કરેલા કન્ટેનરી તલાસી લીધી હતી. જેમાં 34.80 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ 11મી ઓક્ટોબર,22ના રોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ટાટા કન્ટેનર બંધ બોડી ટ્રક નં.જીજે 8 એયુ 8815માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે ધર્મજ – તારાપુર નેશનલ હાઈવે રોડ રામોદડી ગામના પાટીયા નજીક આશિર્વાદ હોટલના પાર્કીંગમાં ઉભી રાખી હોટલમાં જમવા માટે રોકાયેલા છે.
આ બાતમી આધારે આશીર્વાદ હોટલ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બાતમીવાળુ કન્ટેનર પડ્યું હતું. આ કન્ટેનરની કેબિનમાં બેેઠેલા ચાલકની પુછપરછ કરતાં તે કાનારામ ભલ્લારામ જાખડ (જાટ) (રહે.ભીમથલ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. કન્ટેનરમાં શું ભરેલું છે ? તે બાબેત પુછપરછ કરતાં તેણે મેડીશીનની વસ્તુઓ ભરેલાનું જણાવ્યું હતું. જેની બિલ્ટ્રી તથા ઇ-વેબીલ પણ રજુ કર્યાં હતાં.
જોકે, શંકા આધારે પાછળના ભાગે બંધ બોડીના કન્ટેનરના દરવાજાનું સીલ તોડી જોતાં તેમાં વિદેશી દારૂની પેટી મળી આવી હતી. આથી, આ ટ્રકને પેટલાદ પોલીસ લાઇનમાં લાવી ગણતરી કરતાં તેમાં વિદેશી દારૂની 811 પેટી કુલ કિંમત રૂ.34,80,300 મળી આવ્યો હતો. આ અંગે ચાલકની પુછપરછ કરતાં તેણે આ દારૂ સુરેન્દ્રસિંહ અંબાલાએ ભરી આપ્યો હોવાનું કબુલ્યું હતું. જે અંગે પોલીસે બન્ને સામે ગુનો નોંધી વિદેશી દારૂ, કન્ટેનર, રોકડ, મોબાઇલ, રાઉટર મળી કુલ રૂ.49,90,100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂનો જથ્થો પોરબંદર પહોંચાડવાનો હતો
આણંદ એલસીબીની પ્રાથમિક તપાસમાં ટ્રકના માલીકનું નામ મુરસલીમ રમજાન (રહે.ધાનેરા, બનાસકાંઠા) હોવાના દસ્તાવેજ મળ્યાં છે. આ ઉપરાંત ચાલકે રજુ કરેલા બિલ્ટ્રીમાં પોરબંદરની કંપનીનું નામ હતું. આમ, આ જથ્થો પોરબંદર સુધી લઇ જવાની શંકા ઉભી થઇ છે.