ભરૂચ(Bharuch) : ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલાકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ (Foreign currency exchange scams) ઘણી વખત બહાર આવતા હોય છે. આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ આવી તમામ સંબંધિત ઘટનાઓ તેમજ ગેરકાયદે ગતિવિધિઓ પર નજર રાખી રહી છે ત્યારે ભરૂચ શહેરના મહંમદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો ભરૂચ SOGએ પર્દાફાશ કરી બે સંચાલકોની 56.22 લાખથી વધુ સાથે ધરપકડ કરી છે.
- ભરૂચ અને પાલેજમાંથી વિદેશી મુદ્રાના બદલીના ગેરકાયદે નેટવર્કને પર્દાફાશ કરતુ ભરૂચ SOG
- મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જ રેકેટમાં રૂ.56.22 લાખ સાથે બે ઝડપાયા
- ભારતીય કરન્સી સાથે 4 દેશની કરન્સી, 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઈવિંગ લાયસન્સ અને 2 મોબાઈલ કબ્જે
ભરૂચ SOGના PI આંનદ ચૌધરીને મળેલી ચોક્કસ માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહંમદપુરામાં દરોડો પાડ્યો હતો. મહંમદપુરામાં વલિકા શોપિંગમાં ભરૂચ ફોરેક્ષ નામની દુકાનનો મનુબર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમદ તલહા ઇબ્રાહિમ પટેલ ગેરકાયદે એક્સચેન્જ કરતા ઝડપાઇ ગયો હતો. દુકાનમાંથી 500ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે 8 આધારકાર્ડ, 4 ચુંટણીકાર્ડ બે ડ્રાઇવિંગ લાયન્સ, મોબાઈલ મળી 38.43 લાખ મળી આવ્યા હતા.
જ્યારે બીજા દરોડામાં પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારીયા આરીફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકયાદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું. જ્યાંથી 500ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી.
SoGએ બંને દરોડામાં 500ના દરના 74 બંડલો કુલ 37,00,000 સાઉથ આફ્રિકન રેન્ડ 200 કુલ 118 નોટો તથા 100ના દરની નોટ નંગ 100, 50 રેન્ડની કુલ 2 નોટો, 20 રેન્ડની કુલ 6 નોટો તથા 10 રેન્ડની કુલ 3 નોટો મળીને કુલ 1,48,940, US ડોલરની વિવિધ દરની નોટો 3,76,443, કેનેડીયન ડોલરની 20ના દરની 12 નોટ કિંમત 14,382, બ્રિટીશ પાઉન્ડ વિવિધ નોટો કિંમત 13,60,669, સાઉદી રીયાલની ચલણી નોટો કિંમત 6622, 2 મોબાઈલ ફોન કિંમત 15.000 મળીને કુલ 56,22,506 કબજે કરી હતી.
ભરૂચ SOG પોલીસ મથકે SDPO ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદમાં આ માહિતી જાહેર કરી હતી. સમગ્ર ઘટનામાં હવાલાકાંડની પણ તપાસ સાથે ઇન્કમટેક્ષ તેમજ EDને પણ જાણ કરાશે. આ નાણાં ક્યાંથી લાવ્યા હતા, કોને પહોચાડવાના હતા અને ક્યાં કામે ઉપયોગ કરાશે એ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.