Sports

વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમનું સુકાન આ ખેલાડીને સોંપાયું

મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (West Indies) માટે ટીમ ઈન્ડિયાની (Indian Cricket Team) જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ માટે શિખર ધવનને (Shikhar Dhavan) ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (Captain) બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં (England) યોજાનારી T20 અને ODI શ્રેણી બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ત્રણ ODI રમાવાની છે. BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (ડબ્લ્યુકે), સંજુ સેમસન (ડબ્લ્યુકે), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

ઈંગ્લેન્ડ સામેની ટી-20માં પણ સિનિયર ખેલાડીઓ આરામ કરશે
આયરલેન્ડ સામે જે ટીમ બે ટી-20માં રમી છે તેને પહેલી ટી-20માં જાળવી રાખવામાં આવશે અને તે પછી બીજી ટી-20થી તમામ સ્ટાર ખેલાડીઓ રોહિત, વિરાટ, બુમરાહ, પંત અને જાડેજા ટીમમાં વાપસી કરશે. રોહિત શર્મા ફિટ હશે તો બીજી ટી-20થી રમશે. બીસીસીઆઈ દ્વારા એવું કહેવાયું હતું કે, એકવાર આ તમામ સિનીયર ખેલાડીઓ આરામ કરી લેશે પછી તેઓ વ્હાઇટ બોલ ક્રિકેટની નિયમિત ટીમનો ભાગ બની જશે, પરંતુ આયરલેન્ડ સામેની સીરિઝમાં ભાગ લેનારી ટીમના મોટાભાગના ખેલાડીઓ ટી-20 સીરિઝના અંત સુધી ટીમ સાથે જળવાયેલા રહેશે. હવે બીસીસીઆઈએ વેસ્ટઈન્ડિઝ ટુરમાં પણ સિનિયર ખેલાડીઓને આરામ આપવાની જાહેરાત કરી છે અને શિખર ધવનની આગેવાનીમાં યંગ ટીમને મોકલવાનું નક્કી કર્યું છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં શરમજનક હાર
નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ સામે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની શરમજનક હાર થઈ છે. પહેલી ઈનિંગમાં 416 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હોવા છતાં ભારત હાર્યું છે. જો રૂટ અને બેયરસ્ટોની સદીની મદદથી ઈંગ્લેન્ડે ખૂબ જ સરળતાથી 7 વિકેટે ટેસ્ટ મુકાબલો જીતી લીધો હતો. જીતવાની મેચ હારી જવાના લીધે ભારતીય ટીમની ખૂબ ટીકા થઈ રહી છે.

Most Popular

To Top