સુરત: આગામી તા. 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મુંબઈમાં અને સુરતમાં ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. સુરત શહેરનાં મોટાં મોટાં મંડળો મૂર્તિઓમાં ખાસ કોઈ વિશેષતા હોય તેવા ગણેશજીની સ્થાપના કરે છે અને ગણેશજીના આગમનમાં પણ લગ્ન જેવો માહોલ બનાવી દેવામાં આવે છે.
- સ્ટુડિયો વિજય આર. ખાટુ બ્રાન્ડે 75 વર્ષ પૂર્ણ થતાં 2023થી સુરતમાં પણ સ્ટુડિયો શરૂ કરતાં શ્રીજીનો સિગ્નેચર ફેસ મેળવવા પડાપડી
- જોકે આખા ગુજરાતમાંથી સહારા દરવાજાના મહારાજા યુવકમંડળની પસંદગી થતાં સુરતના યુવકમંડળની તો લોટરી લાગી
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન ઘણી ઝાકમઝોળ જોવા મળે છે. ગણેશોત્સવને હજી અઢી મહિનાની વાર છે. પરંતુ તે પૂર્વે જ સુરતીઓ ગણેશોત્સવની તૈયારી કરવા લાગી ગયા છે. સુરત શહેરના સહરા દરવાજા મહારાજા મંડળે ખાસ મુંબઈના પ્રખ્યાત એવા વિજય ખાટુ સ્ટુડિયો પાસેથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરાવી છે. આ મંડળે પણ સુરતમાં આ મંડળનું વર્ચસ્વ જોઈ તેમને ગણેશજીનો સિગ્નેચર ફેસ તૈયાર કરી આપવાનો નિર્ણય લીધો છે.
દાદાજીનો વારસો હવે રેશ્મા ખાટુના સલામત હાથોમાં
વિજય ખાટુ સ્ટુડિયોનાં રેશ્માબેન ખાટુએ જણાવ્યું હતું કે, સ્ટુડિયો વિજય આર. ખાટુ બ્રાન્ડે 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેમના દાદા રામકૃષ્ણ ખાટુએ આ શિલ્પ કળાની શરૂઆત 1947માં કરી હતી. જે પછી વિજય ખાટુ અને તેમના ભાઈઓ પછી રેશ્મા ખાટુએ આ વારસો ચાલુ રાખ્યો છે. 40 વર્ષ પહેલાં સુરતમાં તેમના દાદાજીનો ગણેશ મૂર્તિનો વર્કશોપ હતો.
સુરતમાં 1968 પૂરમાં બહુ મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ 40 વર્ષ પછી ફરી સુરતમાં સ્ટુડિયો લાવ્યા છે. 2023થી ફરીવાર સુરતમાં તેમનો સ્ટુડિયો આવ્યો છે. તેમની મુખ્ય બ્રાંચ મુંબઈમાં છે અને ત્યાંથી ઘણાં પ્રખ્યાત મંડળોની મૂર્તિઓ બનાવવામાં આવે છે. અને ઓલ ઓવર ગુજરાતમાં માત્ર એક જ ગ્રુપ એવું છે જે છે સુરતનું સહારા દરવાજા મહારાજા યુવકમંડળ ગ્રુપ. જેમના મંડળનું મૂર્તિ બનાવી આપવા માટે સિલેક્શન થયું છે, એ સુરતવાસીઓ માટે ગર્વની વાત છે.
સિગ્નેચર ફેસને ‘ખાટુ ફેસ’ નામ આપવામાં આવ્યું છે
ખાટુ સ્ટુડિયો દ્વારા સહરા દરવાજા મહારાજા મંડળ માટે ખાસ સિગ્નેચર ફેસ બનાવવામાં આવી રહ્યો છે. અને આ ફેસ તૈયાર કરવામાં 1 મહિનાનો સમય લાગશે. તેમની આ ખાસ મૂર્તિ મુંબઈમાં જ તૈયાર થઈ રહી છે. આ મૂર્તિ 22 ફૂટની બનશે. સિગ્નેચર ફેસનો ચાર્મ અલગ હોય છે અને સિગ્નેચર ફેસને ખાટુ ફેસ નામ આપવામાં આવ્યું છે. મૂર્તિ તૈયાર થતાં મુંબઈથી બાય રોડ સુરત લાવવામાં આવશે.
ખાસ મૂર્તિઓ 2થી 6 લાખની હોય છે
રેશ્મા ખાટુએ જણાવ્યુ હતું કે, તેઓ દ્વારા યુનિક મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે અને મુંબઈમાં મોટાં મોટાં મંડળો તેમની પાસેથી મૂર્તિઓ લઈ જાય છે. જેની ડાય તેમના પિતા દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે મોલ્ડમાંથી મૂર્તિ તૈયાર થાય છે. આવી ખાસ મૂર્તિઓની ઊંચાઈ 18થી 22 ફૂટ જેટલી હોય છે અને તેમની કિંમત 2 લાખથી લઈને 6 લાખ સુધીની હોય છે.