Sports

સાઉથ આફ્રિકા 247/6: 148 વર્ષમાં પહેલીવાર આવું બન્યું, ગુવાહાટી ટેસ્ટમાં જાણો શું થયું..

ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એક અનોખી ઘટના બની. આજે શનિવારે તા. 22 નવેમ્બરે ગુવાહાટી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટના પહેલાં દિવસે આ ઘટના બની હતી. ક્રિકેટ નિષ્ણાતોએ તેની વિશેષ નોંધ લીધી તો ચાહકો આશ્ચર્યમાં મુકાયા હતા.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ગુવાહાટી મેદાન પર ઇતિહાસ રચાયો. હકીકતમાં, ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટના 148 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર નિયમિત ટેસ્ટ મેચમાં લંચ પહેલાં ટી બ્રેક લેવામાં આવ્યો. ડે-નાઈટ ટેસ્ટમાં સામાન્ય રીતે ડિનર પહેલાં ટી બ્રેક લેવામાં આવે છે પરંતુ ગુવાહાટી જે તેની પ્રથમ ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે, ત્યાં લંચ પહેલાં ટી બ્રેક લઈને એક નવો દાખલો બેસાડ્યો.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
ઉત્તરપૂર્વ ભારતમાં વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે આ અસામાન્ય નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે ટેસ્ટ મેચનો પહેલો સત્ર સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી રમાયો ત્યારબાદ સવારે 11:00 થી 11:20 વાગ્યા સુધી ટી બ્રેક લેવામાં આવ્યો.

બાવુમાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલાથી જ શ્રેણીમાં 1-0 થી પાછળ છે. આ બે મેચની શ્રેણી છે અને સતત બીજા વર્ષે બીજી ટેસ્ટ શ્રેણીની હાર ટાળવા માટે આ મેચ જીતવી ભારત માટે મહત્વપૂર્ણ છે.

દિવસના અંતે દ.આફ્રિકાનો સ્કોર 247/6
કેપ્ટન બાવુમાનો પહેલા બેટિંગ કરવાના નિર્ણયને બંને ઓપનરોએ સાચો ઠેરવ્યો હતો. સાઉથ આફ્રિકાના ઓપનર એડન માર્કરામ અને રાયન રિકેલ્ટન વચ્ચે 82 રનની થઈ હતી. જોકે ટી બ્રેક પહેલાં આ ભાગીદારી બુમરાહે તોડી હતી. સાઉથ આફ્રિકાની પહેલી વિકેટ માર્કરામના રૂપમાં 82ના સ્કોર પર પડી હતી. બુમરાહે માર્કરામને બોલ્ડ કર્યો હતો.

દિવસના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવી 247 રન બનાવી લીધા હતા. આફ્રિકા તરફથી સૌથી વધુ સ્ટબ્સે 49 રન બનાવ્યા હતા. કેપ્ટન બાવુમાએ 41 રન બનાવી તેને સારો સાથ આપ્યો હતો. ભારત તરફથી કુલદીપ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી.

ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, ઋષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: એઈડન માર્કરામ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરેઈન (વિકેટકીપર), સિમોન હાર્મર, માર્કો જેન્સેન, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ

Most Popular

To Top