વેકેશન પડ્યું હતું એટલે સોસાયટીમાં બધાએ ભેગાં મળી નક્કી કર્યું કે, ‘આમ માત્ર મસ્તી તોફાન અને મોબાઈલમાં દિવસો પસાર કરીએ તેના કરતાં કૈંક નક્કર સમાજ માટે કામ કરીએ.’ સમાજ માટે કરવા જેવું તો ઘણું છે એટલે કામનું લીસ્ટ બનાવ્યું…પહેલું કામ નક્કી કર્યું — સ્વચ્છતા …એટલે પહેલાં સોસાયટીની પછી આખી ગલીની અને પછી આખા વિસ્તારની સાફસફાઈ કરવાનું નક્કી થયું.કોઇ પણ કામ કરવા માટે જોઈએ ફંડ એટલે બધા પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો.
સોસાયટીમાં એક રીટાયર પ્રોફેસર હતા. બધા તેમની પાસે ગયા અને તેમને આ કાર્યક્રમના લીડર બનવા કહ્યું.પ્રોફેસર બોલ્યા, ‘સૌથી પહેલાં તો તમને બધાને અભિનંદન કે આવો સરસ વિચાર આવ્યો કે સમાજ માટે કૈંક કરીએ.સ્વચ્છતા બહુ જરૂરી છે એટલે સારું કર્યું કે તમે નક્કી કર્યું છે કે સાફ સફાઈ કરીશું. હું તમારી સાથે જ છું પણ હું તમને કૈંક બીજા દૃષ્ટિકોણથી વિચારવા કહું છું. જુઓ, તમે સાફ સફાઈ કરશો ..તમને જોઇને બીજા પણ એમાં જોડાશે …સોસાયટી ,ગલી અને વિસ્તાર સાફ થઇ જશે ….ચમકી ઊઠશે …પછી આગળ શું?’
એક ઉત્સાહી બોલ્યો, ‘પછી નવો પ્રોજેક્ટ લઈશુ ….નદી નાળાની સફાઈ …પહેલાં આ તો શરૂ થાય.’ પ્રોફેસર બોલ્યા, ‘ભાઈ, તમે સાફ કરશો તે સ્વચ્છ રહેશે કેટલા દિવસ …..માટે મારો વિચાર કૈંક એમ કહે છે કે આપણે થોડું આગળ વધીને વિચારીએ …ઊંડું વિચારીએ ..એક દિવસ ઝાડુ મારી કચરો સાફ કરીએ પણ સાથે સાથે તે દિવસથી બધાને સમજાવીએ કે કચરો જ્યાં ત્યાં નાખવો નહિ.ગંદકી કરવી નહિ.થૂંકવું નહિ વગેરે વગેરે.ગંદકી કઈ રીતે થાય છે.કોણ ફેલાવે છે તે શોધીએ અને તે કારણો જ દૂર કરીએ.’ બધાને પ્રોફેસરની વાતમાં તથ્ય લાગ્યું.
એક યુવતીએ કહ્યું, ‘સર, આમ તો આપણે બધા જ જેઓ અહીં રહે છે તે બધા જ કચરો અને ગંદકી ફ્લાવે છે.’ પ્રોફેસર બોલ્યા, ‘બરાબર છે, સાચી વાત છે, જે ગંદકી સાફ કરવા આપણે નીકળ્યા છીએ તે આપણી જ ફેલાવેલી છે. જો બધાં સમજી જાય કે ગંદકી કરાય નહિ.વ્યવસ્થિત સાફ સફાઈ રાખવા કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ.થૂંકવું જોઈએ નહિ વગેરે વગેરે. તો બધું સાફ જ રહેશે..સૌથી પહેલાં આપણે બધાએ પોતે સુધરવાની જરૂર છે.બધાને સમજાવવાની જરૂર છે તો સાફ સફાઈ આપોઆપ રહેશે અને કાયમ માટે રહેશે.એક દિવસના સ્વચ્છતા અભિયાનનો બહુ અર્થ નથી, જરૂર છે વિચારો અને આદતો બદલવાની જરૂર છે. વ્યવસ્થિત જીવન જીવવાની તો વ્યવસ્થા કાયમ જળવાશે.જો આપણે ગંદકી નહિ કરીએ તો સફાઈ રહેશે જ.જો આપણે નદીમાં કચરો નહિ નાખીએ તો તેની સાફ સફાઈની જરૂર જ નહિ રહે. વહેતી નદી કુદરતી રીતે આપોઆપ સ્વચ્છ રહેશે.’ પ્રોફેસરનો વિચાર સીધો, સરળ અને સચોટ હતો. બધાએ તે પ્રમાણે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ નક્કી કર્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.