SURAT

89 વર્ષથી લીલું લસણ અને નારીયલની સ્વાદિષ્ટ પેટીસ દુલ્લભજીનું ફરસાણ પેઢીની ઓળખ બની છે

સુરતીઓ ખાવાના શોખીન છે એ જગજાહેર છે. કોઈપણ ઋતુ હોય વરસાદ, ઠંડી કે પછી ગરમી સવાર પડતા જ સુરતીઓ ફરસાણની દુકાનમાં લાઈનમાં ઉભેલા દેખાય છે ખમણ, લોચો, પાટુડી, દાળના સમોસા,ઈદડા અને લીલું લસણ તથા નારીયલથી સ્ટાફ કરેલી પેટીસ ખરીદવા. પેટીસનું નામ કાન પર પડતા જ સુરતીઓને યાદ આવી જાય છે નવસારી બજારમાં સ્થિત દુલ્લભજીનું ફરસાણ દુકાનની. એવું કહેવાય છે કે સુરતમાં પેટીસ (Surat Petis) વેચવાની શરૂઆત ”દુલ્લભજીનું ફરસાણ” (DullabhjiNuFarsan) દુકાન દ્વારા થઈ હતી. પેટીસ આ દુકાનની ઓળખ બની છે. પેટીસ ઉપરાંત પણ અનેક ચટપટા ફરસાણ આ દુકાનમાં વેચાય છે પણ અહીંની પેટીસ અને મુઠીયાનો સ્વાદ સુરતીઓના દાઢે તો વળગ્યો છે પણ તેની ખ્યાતિ દેશ અને વિદેશમાં પણ પ્રસરી છે. એવું તો શું છે આ દુકાનની પેટીસ અને મુઠીયાના સ્વાદમાં કે દુકાન ખુલતા પહેલા ગ્રાહકો તેને ખરીદવા દુકાને પ્હોંચી જતા હોય છે તે આપણે આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

સ્વ દુલ્લભજી ભજીયાવાલા.

કુકિંગનો શોખ હોવાથી ફરસાણની દુકાન શરૂ કરી
દુલ્લભજીનું ફરસાણ આ દુકાનનો પાયો દુલ્લભજી નાથુભાઈ ભજીયાવાલાએ 1933માં નાંખ્યો હતો. ત્યારે આખા સુરતમાં બે કે ત્રણ જ ફરસાણની દુકાન હતી. દુલ્લભજી ભજિયાવાલા પહેલાં નોકરી કરતા હતા પણ તેમને કુકિંગનો શોખ હોવાથી અને લોકોને અવનવા ચટાકેદાર ફરસાણનો ટેસ્ટ કરાવવાનો શોખ હતો જે તેમને ફરસાણની દુકાન શરૂ કરવા તરફ દોરી ગયો હતો. કહેવાય છે કે સુરતમાં પેટીસ વેચવાની શરુઆત સૌપ્રથમ તેમણે કરી હતી. આજે પણ સુરતીઓને પેટીસ ખાવાનું મન થાય તો દુલ્લભજી ફરસાણની દુકાનમાં પહોંચી જાય છે. દુલ્લભજીને કોઈ સંતાન નહીં હતું. એટલે તેમણે જ્યાં રહેતા હતા તે અંબાજી રોડ વિસ્તારના તેમના એક પાડોશી શંકરરાવ નિકમના દીકરાને દત્તક લીધો હતો.

સ્વ. સવિતાબેન ભજીયાવાલા.

સવિતાબેન ભજીયાવાલાએ 10 વર્ષ દુકાન ચલાવી
1966માં દુલ્લભજી ભજીયાવાલાનું નિધન થતા આ દુકાનનું સંચાલન તેમના પત્ની સવિતાબેન ભજીયાવાલાએ હાથમાં લીધું. તેમણે સખત મહેનત અને પુરુષાર્થ કરી એકલા હાથે આ દુકાનનો પાયો અડીખમ રાખ્યો. દુકાનમાં પેટીસ ઉપરાંત મુઠીયાની ઘરાકી દિનપ્રતિદિન વધતી ગઈ. તેઓ દુકાનમાં જ્યારે બેસવા લાગ્યાં હતાં ત્યારે નવસારી બજાર મેન રોડ પર અન્ય કોઈ મહિલા દુકાનનું સંચાલન નહીં કરતી હતી એટલે અન્ય લોકો તેમની સાહસિકતાની પ્રસંશા કરતાં હતાં. આ દુકાનના પેટીસ, ખાજા, ખમણ, ખમણી, મુઠીયા, સેવ-ગાંઠીયા, ચેવડો, સુરતી ભુસુનો સ્વાદ લોકોને ભાવે છે. દુલ્લભજી અને સવિતાબેનને કોઇ સંતાન નહીં હોવાથી તેમણે તેમના એક પાડોશીના દીકરા અશોક નિકમને દત્તક લીધા હતાં. 1974માં જ્યારે અશોકભાઈ નિકમે દુકાનનું સંચાલન હાથમાં લીધું ત્યાર બાદ સવિતાબેને દુકાનમાં બેસવાનું બંધ કર્યું. તેમનું નિધન 1999માં થયું હતું.

અશોક નિકમ

2006ના પુરમાં દોઢથી બે લાખ રૂ.ના માલને નુકસાન થયું: અશોક નિકમ
આ દુકાનના બીજી પેઢીનાં સંચાલક અશોકભાઈ નિકમે જણાવ્યું કે 2006માં સુરતમાં આવેલી ભયંકર રેલની યાદો તો સુરતીઓના માનસ પટ પરથી ક્યારેય નહીં ભૂંસાય. આ પુરમાં આ દુકાનને પણ ખાસ્સું નુકસાન થયું હતું. દુકાનમાં 12થી 14 ફૂટ પાણી ભરાયું હતું. બધું જ ફરસાણ પાપડી, ચેવડો, બેસન, તેલના ડબ્બા, રો-મટીરીયલ જેમકે, તલ, જીરૂ, મરી-મસાલાને દોઢ-બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક સ્કેલ, પાણીની મોટર, શ્રીફળ છીણવાનું મશીન, ભઠ્ઠીની મોટર, લોટ બાંધવાનું મશીન આ બધાને નુકસાન થયું હતું. દુકાનના કર્મચારીઓને 5-5 ફૂટ પાણીમાંથી બહાર કાઢયા હતા. તે સમયે દુકાન 15 દિવસ બંધ રહી હતી.

1994માં દુકાનથી દોઢ ફૂટ જેટલું કાઉન્ટરનું ડિમોલિશન થયું હતું
અશોકભાઈ નિકમે જણાવ્યું કે 1994-95માં સુરત મહાનગર પાલિકાના તે વખતના કમિશનર એસ.આર.રાવે રસ્તો પહોળો કરવા માટે ડિમોલિશન કરાવ્યું હતું ત્યારે આ દુકાનમાં દુકાનની બહાર દોઢ ફૂટ જેટલું લાકડાનું કાઉન્ટર જતું હતું તેને કઢાવી નાખવામાં આવ્યું હતું.
20 વર્ષ પહેલાં બ્રેડ પેટીસ બનાવતા જેણે બ્રેડ પકોડાનું રૂપ લીધું
અશોકભાઈ નિકમે જણાવ્યું કે અમારી દુકાનમાં 20 વર્ષ પહેલાં બ્રેડ પેટીસ મળતી હતી જેમાં પેટીસનો મસાલો ભરવામાં આવતો. આ એક બ્રેડ પેટીસ 40 રૂપિયામાં મળતી તે ઘણી વજનદાર રહેતી. જેણે હવે બ્રેડ પકોડાનું સ્થાન લીધું છે.

1974માં 9-10 રૂપિયે કિલો પેટીસ વેચાતી
અશોકભાઈ નિકમે જણાવ્યું હતું કે 1974માં પેટીસ ઉપરાંત અન્ય ફરસાણ 9-10 રૂપિયે કિલો વેચાતું જ્યારે હવે પેટીસ અને ભુસુ 350 રૂપિયે કિલો, મુઠીયા 250 રૂપિયે કિલો વેચાય છે. પેટીસમાં લીલું લસણ, કોથમીર અને છીણેલું નારિયેળ મુખ્ય હોય છે. પેટીસની વિવિધ વેરાયટી જેમકે, રેગ્યુલર પેટીસ, ડ્રાયફ્રૂટ પેટીસ, પનીર પેટીસ અને ચીઝ-પનીર પેટીસ લોકોને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ભાજી જેમકે મેથી, પાલક તથા ચોળાઈની ભાજીના મુઠીયા બાળકો માટે હેલ્ધી નાસ્તો છે.

સાંસદ સીઆર પાટીલ અને દર્શનાબેન જરદોશ પેટીસ દિલ્લી પણ લઈ જાય છે
અશોકભાઈ નિકમે જણાવ્યું કે તેમની દુકાનની પેટીસના ગ્રહક સાંસદ સીઆર પાટીલ, દર્શનાબેન જરદોશ ઉપરાંત ધારાસભ્ય અરવિંદ રાણા, કોર્પોરેટર રેશમાબેન લાપસીવાલા, ભૂતપૂર્વ કોર્પોરેટ ઉજવલ્લાબેન નિકમ પણ છે. સીઆર પાટીલ અને દર્શનાબેન જરદોશ અહીં થી પેટીસ દિલ્લી પણ લઈ જાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ગાંધીનગર પેટીસ જાય છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માટે દર્શનાબેન જરદોશે પેટીસ મંગાવેલી.

કોરોનામાં ઘરાકી પર થોડી અસર થઈ હતી
કોરોના કાળમાં આ દુકાન 45 દિવસ બંધ રહી હતી. કોરોનાની બીમારીથી લોકો એટલા ગભરાયા હતા કે બહારનું ખાવાનું લોકો ટાળવા લાગ્યાં હતાં. જેની થોડી અસર આ દુકાનની ઘરાકી પર થઇ હતી. કોરોનાનો હાઉ ઓછો થયા બાદ જ્યારે દુકાનો ખુલી ત્યારે સેનીટાઇઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગનું કડક પાલન આ દુકાન દ્વારા કરાયું હતું.

ધર્મેશ નિકમ

અમેરિકા, કેનેડા, લંડન,ન્યુઝીલેન્ડ પેટીસ લઈ જાય છે: ધર્મેશ નિકમ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક ધર્મેશભાઈ નિકમે જણાવ્યું કે, અમારી દુકાનની પેટીસ અને મુઠીયા બહું વખણાય છે પેટીસ, સુરતી ભુસુ, મુઠીયા, ફરસાણ લેવા ગ્રાહકો કતારગામ, વરાછા,ભેસ્તાન, બમરોલી, ખજોદ, સરસાણા, મોટા વરાછા, પાલ-અડાજણ, સિટીલાઈટ, જહાંગીરપુરા,અઠવાલાઈન્સથી તો આવે જ છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા, લંડન, દુબઈ, ન્યુઝીલેન્ડ પણ સુરત આવેલા NRI રિટર્ન થતી વખતે લઈ જાય છે ડીપ ફ્રીઝમાં ફ્રોઝન કરીને લઈ જાય છે. કલકત્તા, બેંગ્લોર, ચેન્નાઇ, દિલ્લી, મુંબઈ પણ પેટીસ ગ્રાહકો લઈ જાય છે.

ચંદની પડવા, દિવાળી, બળેવ પર ગ્રાહકોની લાગે છે લાંબી લાઇન
ધર્મેશભાઈ નિકમે જણાવ્યું કે ચંદની પડવાના દિવસે લોકો ઘારી-ભુસુ અને સાથે પેટીસના ચટકારા લે છે. ચંદની પડવાના એક દિવસ પહેલાં બધું ભુસુ વેચાય જાય છે. જ્યારે ચંદની પડવાના આખા દિવસે દુકાનમાં પેટીસ માટે ગ્રાહકોની લાંબી લાઇન લાગે છે. નવસારી બજારનો આ રસ્તો સાંકળો હોવાને કારણે ટ્રાફિક રહેતો હોવા છતાં દૂર-દૂરથી લોકો આ દુકાનના ફરસાણ લેવા આવે છે. એટલું જ નહીં દિવાળી, બળેવ, હોળી-ધૂળેટી,બેસતું વર્ષ, દશેરાના દિવસે અહીં લોકોની ફરસાણ ખરીદી માટે લાઇન લાગે છે.

રેશ્મા નિકમ

લગ્ન પ્રસંગમાં સંગીત, દાંડિયા, મહેંદી રસમમાં પેટીસની ડીમાન્ડ: રેશ્મા નિકમ
ધર્મેશભાઈ નિકમના પત્ની રેશ્માબેન નિકમે જણાવ્યું કે વિવિધ સમાજ જેમકે ઘાચી, ખત્રી, રાણા સમાજના અને અન્ય સમાજના લોકો લગ્ન પ્રસંગમાં દાંડિયા, સંગીત અને મહેંદી રસમ વખતે પેટીસની ડીમાંડ કરે છે. વરાછા અને કતારગામના 85 ટકા લોકો અમારી દુકાનની પેટીસ પસંદ કરે છે. કઠોર અને બારડોલીના એના ગામના પેટીસના ખાસ કસ્ટમરો છે. પહેલાંના સમયમાં સુરતના આસપાસના ગામ સચીન ઉપરાંત અન્ય ગામોથી લોકો પેટીસ ઉપરાંતનું ફરસાણ લેવા બળદ ગાડામાં આવતા. આ લોકો પોતાની વસ્તુઓ વેચવા સુરત આવતા ત્યારે સાથે પેટીસ અને અન્ય ફરસાણ લઈ જતાં.

1962માં દુકાનમાં લાગેલી આગની ઘટનાની ગ્રાહકો યાદ અપાવે છે
રેશ્માબેન નિકમે જણાયું કે 1962માં અમારી દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાને 60 વર્ષ થઈ ગયા પણ હજી પણ 70-80 વર્ષની ઉંમરના ગ્રાહક આવે ત્યારે આ ઘટનાને યાદ કરાવતા હોય છે. લગભગ રોજ જ ગ્રાહકો આ ઘટનાને યાદ કરાવે છે જે નથી ગમતું. આ દુકાનમાં આગ લાગી ત્યારે તેની લપેટમાં આસપાસની દુકાનો પણ આવી ગઈ હતી. અત્યારે વૃધાવસ્થામાં પહોંચેલા આ ગ્રાહકો જ્યારે દુકાને ફરસાણ લેવા આવે ત્યારે જણાવતા હોય છે કે આ દુકાનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે અમે બહુ નાના હતાં અમે ત્યારે એક લાકડાનો પુલ હતો તેના પરથી આ ઘટના જોઈ હતી. ત્યારે જે આગ લાગી હતી તે બહુ મોટી હતી અને આસપાસની દુકાનોમાં પણ આગ ફેલાય ગઈ હતી. આ દુઃખદ ઘટના રોજ કોઈને કોઈ ગ્રાહક યાદ કરાવે છે.

Most Popular

To Top