તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એકશન પ્રોગ્રામે સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી છે કે વિશ્વનો 17 (સત્તર) ટકા જેટલો ખોરાક ધરો, દુકાનો અને રેસ્ટોરન્ટમાં વેડફાઈ જાય છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ખોરાકનો બગાડ કરવાના મામલે વિકસીત અને ગરીબ દેશોની માનસિકતા એક સરખી છે.
રિપોર્ટના આંકડા અનુસાર વર્ષ 2019માં આશરે 93 કરોડ, 10 લાખ ટન ખોરાક લોકોના પેટ સુધી પહોંચવાના બદલે વેડફાઈ ગયો. અન્નનો બગાડ એ એક મોટી સામાજિક સમસ્યા છે. જેના વિશે દેશની પ્રજામાં જાગૃત્તિ કેળવવાની જરૂર છે. આજે જ્યારે દેશનાં લાખો લોકો એક ટંકના ભોજન માટે તરસતા હોય છે ત્યારે ઘણાં ઘરોમાં એક ટંકનો ખોરાક બીજા ટંકે વાસી ગણીને ફેંકી દેવામાં આવે છે.
પ્રજાને આ બાબત ખાસ સમજાવવાની જરૂર છે. લોકોમાં સામાજિકતા અને ભાગીદારીની ભાવના વધુને વધુ કેળવવાની જરૂર છે. શ્રીમંત લોકોને ખોરાકના બગાડ વિશે સમજાવવાની જરૂર છે. મોંઘાદાટ ભોજન સંમારંભો અને ભોગ વિલાસ પર નિયંત્રણો મૂકવાની જરૂર છે. હોટલો, કેન્ટિનો, લગ્ન સમારંભો અને અન્ય સમારોહોમાં ખોરાક (અન્ન)ને બગાડ ન થાય તે રીતની વ્યવસ્થા ઉભી કરવાની અને લોકોને એ વિશે જાગૃત કરવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.