વલસાડઃ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે સમગ્ર જિલ્લામાં સપાટો બોલાવી દીધો છે. પાછલા મહિનામાં તેમના દ્વારા જિલ્લાની 42 જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.
- વલસાડ ડી પિઝાનું ટોમેટો સુપ અને મંચૂરીયન અને વાપી મોતી મહેલના પનીરનો નમૂનો ફેલ
દહીં, ઘી, પનીર, તેલ, જલેબી, નમકીન, ગાંઠિયા, કાજુ શેક, બિરયાની, મટન ગ્રેવી, પીવાનું પાણી, ક્રીમ પાઉં અને સાબુદાણા જેવા ખાદ્ય પદાર્થની ગુણવત્તાના મુદ્દે 16 લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ હવે તેમના દ્વારા વલસાડ અને વાપીની જાણીતી પિઝાની દુકાનમાં દરોડા પાડી તેમની ખાદ્ય સામગ્રીની ચકાસણી થતાં તે ફેઈલ થયા હતા. તેમની સામે પણ તેમણે કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુલાઇ- 2025 માસમાં કુલ 3 નમુના નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વલસાડના તિથલ રોડ ઉપર સ્થિત એમ સ્ક્વેર મોલના પહેલા માળે શોપ નં. 101 થી 106માં ડી-પિઝા તરીકે ચાલતી મેસર્સ મૈત્રક ફૂડ્સના વેન્ડર અને પાર્ટનર ગ્રંથિલ હેમેશકુમાર દેસાઈને ત્યાંથી (1) ટોમેટો સુપ અને (2) ડ્રાઈ મન્ચુરીયનના નમુના લેવામાં આવ્યા હતા.
જયારે વાપી ખાતે સર્વે નં. 134માં શાંતિ કોમ્પલેક્ષમાં શોપ નં. 8/109માં મેસર્સ એક્કયુસાઈટ પેલેટ એલએલપી, મોતી મહેલ ડિલક્ષ તંદુર ટ્રેલ રેસ્ટોરન્ટના ફૂડ બિઝનેસ ઓપરેટર અને મેનેજર અંજન સમર મૈતીને ત્યાંથી પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જે પરીક્ષણમાં મોકલતા ફૂડ એનાલિસ્ટે આ ત્રણેય નમૂના નાપાસ જાહેર કર્યા હતા. આ બંને કેસમાં જવાબદારો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.