ભૂટાન: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન વૈશ્વિક ઘટનાક્રમોમાં થયેલા ફેરફારોને કારણે ઘણા દેશોમાં ખાદ્ય સંકટ સર્જાયું છે. પાડોશી દેશ શ્રીલંકા(Sri Lanka) પહેલાથી જ અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. હવે ભારતના અન્ય પાડોશી દેશ ભૂટાન(Bhutan)માં ખાદ્ય પદાર્થોની અછત(Food Crisis) છે. ખાસ કરીને ભૂતાનના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ખાવા-પીવાની અછતનો સામનો કરી રહ્યા છે. ભૂટાનના નાણા મંત્રી(Finance Minister) લોકનાથ શર્માએ એક ન્યુઝ એજન્સીને માહિતી આપી હતી.
રશિયા યુક્રેન યુદ્ધનાં કારણે મોટો ફટકો
ભૂટાનની વસ્તી 8 લાખથી ઓછી છે, પરંતુ આ નાનકડો દેશ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ અને અનાજના વૈશ્વિક ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે આ મહામારીના માર બાદ રિકવરીના માર્ગ પર પાછા ફરેલા ભૂટાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે.
ભારતનાં નિકાસ પર પ્રતિબંધનાં પગલે ચિંતા વધી
ભૂટાન એ પાડોશી દેશોમાંનો એક છે જે ખાદ્ય ચીજોની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારત પર નિર્ભર છે. ભુતાને ગયા વર્ષે ભારત પાસેથી 30.35 મિલિયન ડોલરનું અનાજ ખરીદ્યું હતું. ભૂટાન મુખ્યત્વે ભારતમાંથી ચોખા અને ઘઉં ખરીદે છે. જોકે, ભારતે ઘઉં અને ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે તેના કારણે ભૂતાનની ચિંતા વધી ગઈ છે. ભૂટાનના નાણામંત્રીએ પણ આ ચિંતા વ્યક્ત કરી હતી.
ખાદ્ય પદાર્થોની અછતનાં પગલે ફુગાવો વધશે: નાણામંત્રી
કોઈ પણ દેશનું નામ લીધા વિના નાણામંત્રી શર્માએ કહ્યું, ‘ખાદ્ય પદાર્થોની અછત ફુગાવાને વધુ વધારી શકે છે. કેટલાક દેશોએ અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આની શું અસર થશે, તે અંગે સરકાર ચિંતિત છે. જો કે, ભારતે સ્પષ્ટ કહ્યું છે કે તે પડોશી દેશોમાં અનાજની નિકાસ કરવાનું ચાલુ રાખશે. આ સાથે ભારતે સંકટનો સામનો કરી રહેલા દેશોને અનાજ આપવાનું પણ આશ્વાસન આપ્યું છે.
ખાદ્ય પદાર્થોના પુરવઠાને લઈને ખૂબ જ ચિંતિત: સંગે દોરજી
ભારતના નિર્ણયથી ચિંતિત થનાર એક માત્ર નાણામંત્રી શર્મા જ નથી. એક ન્યુઝ એજન્સીનાં અહેવાલ મુજબ ભૂટાનની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મહાસચિવ પણ આને લઈને ચિંતિત છે. મહાસચિવ સંગે દોરજી કહે છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધશે તો સ્થાનિક અર્થતંત્રને નુકસાન થશે. તેમણે કહ્યું, ‘અમે ખાદ્ય પદાર્થોના પુરવઠાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. મોંઘવારી પછી આ સંકટ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવશે.