SURAT

સરકારની મંજૂરીને પગલે સુરત શહેર-જિલ્લામાં 1347 શાળાઓમાં ધો.6થી 8નું શિક્ષણ શરૂ થશે

રાજ્ય સરકારે આપેલી મંજૂરીને પગલે સુરતમાં પણ શહેરની 928 અને જિલ્લાની 419 ખાનગી શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો ધમધમતા થઈ જશે. સ્કૂલ શરૂ કરવાના સરકારના નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવકારવામાં પણ આવ્યો છે.

કોરોના મહામારી કોવિડ-૧૯ ને લઇને વિતેલા દોઢેક વરસથી શાળાઓની હાલત કફોડી બની હતી. સવા વરસ સુધી તો એકપણ શાળા શરૂ કરી શકાઇ નહોતી. સરકારે કોરોનાના જોખમને લઇને ધોરણ-10 તેમજ ધોરણ-12ની રાજયવ્પાપી શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરી તમામ છાત્રોને માસ પ્રમોશન આપ્યું હતું.

ત્યારબાદ સરકારે આરંભિક તબકકામાં ધોરણ-9થી 12ની સ્કૂલ શરૂ કરી હતી. સરકારે ધીરેધીરે સ્કૂલો શરૂ કરવાના કરેલા પ્રયાસમાં હવે પાટનગરમાં મળેલી કેબિનેટની મીટિંગમાં રાજ્યમાં ધો.6થી 8ની શાળાઓ શરૂ કરવાની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. જેથી સુરત શહેરમાં 918 ખાનગી શાળાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં 419 શાળાઓમાં ધો.6થી 8ના વર્ગો ધમધમતા થઈ જશે. આ શાળાઓ સાથે જોડાયેલા આશરે ૨,૫૦૦ થી ૩,૦૦૦ જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ પુનઃ પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાશે.

ખાનગી શાળાઓ ધો.6થી 8નું શિક્ષણ શરૂ કરવા માટે તૈયાર છે:ડો.દીપક રાજ્યગુરુ

આ સંદર્ભે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખૂબ જ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. ખાનગી શાળાઓમાં સંપૂર્ણપણે એસઓપીનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે. વાલીઓ ઇચ્છે તો સંમતિ પત્રક સાથે બાળકોને શાળાએ મોકલી શકશે. ખાનગી શાળાઓ ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે તૈયાર છે

Most Popular

To Top