એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ પ્રવચન સાંભળવા આવતો જ રહ્યો.ભગવાન તથાગત પોતાના પ્રવચનમાં અનેક રીતે લોભ, મોહ, સ્વાર્થ, ઈર્ષ્યા, નિંદા, હિંસા,અભિમાન વગેરેનો ત્યાગ કરી જીવનમાં સારા કર્મ કરવાની અને અંતિમ લક્ષ્ય પરમ તત્ત્વ અને મોક્ષની પ્રાપ્તિની વાતો સમજાવતા. એક દિવસ પ્રવચન પૂરું થયા બાદ પણ તે વ્યક્તિ ત્યાં જ બેસી રહ્યો અને છેલ્લે ભગવાન બુદ્ધ પાસે જઈને કહેવા લાગ્યો, ‘ભગવન્, છેલ્લા એક મહિનાથી તમારા બધા જ પ્રવચન બહુ જ ધ્યાન દઈને સાંભળું છું.તમારા કહેલા દરેક શબ્દો સાચા છે અને છતાં પણ મારામાં કોઈ સુધારો થતો નથી. એનું શું કારણ? મારામાં શું ખામી છે?’
ભગવાન તથાગત હસ્યા અને બોલ્યા, ‘તું ક્યાંથી આવે છે ?’ તે વ્યક્તિએ કહ્યું, ‘બાજુના ગામમાં રહું છું ત્યાંથી આવું છું.’ ભગવાન બુદ્ધે બીજા પ્રશ્ન પૂછ્યા, ‘કેટલે દૂર છે તારું ગામ? તું કઈ રીતે આવે છે?’ વ્યક્તિએ જવાબમાં કહ્યું, ‘લગભગ દસ કોસ દૂર છે મારું ગામ, હું ઘોડા પર આવું છું.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘એક કામ કર. આજે તું અહીં બેઠા બેઠા જ તારા ઘરે પહોંચી જા.’વ્યક્તિએ કહ્યું, ‘ભગવાન, એ કઈ રીતે શક્ય છે? હું અહીં બેઠા બેઠા મારા ઘરે કઈ રીતે પહોંચી શકું? મેં હમણાં જ તો કહ્યું, દસ કોસ દૂર ગામમાં રહું છું એટલે હું ઘોડા પર બેસીને દસ કોસનું અંતર કાપીને જ મારા ઘરે પહોંચી શકું. અહીં બેઠા બેઠા નહિ.’ બુદ્ધ બોલ્યા, ‘બરાબર વાત છે અને જો ઘોડો ના હોય તો.’ માણસે કહ્યું, ‘તો મારે સ્વયં પગે ચાલીને ઘરે જવું પડે.’
ભગવાન બુદ્ધ બોલ્યા, ‘બરાબર છે ભાઈ ..બેઠા બેઠા કંઈ ના થાય.મારો ઉપદેશ પણ અહીં આવીને બેસીને સાંભળવાથી જીવનમાં સુધારો ન લાવી શકે.પ્રવચનમાં સાંભળેલા મારા દરેક ઉપદેશમાંથી જે ગમે ..જે થઇ શકે ..જેટલું શક્ય હોય તેટલું સમજીને જીવનમાં ઉતારવું પડે.પ્રવચનમાં મેં સમજાવેલા માર્ગો પર ચાલવું પડે.જીવનમાં સારી વાતો અને સારા ગુણો અપનાવવા માટે બરાબર ધ્યાન રાખી જાગ્રત રહીને તે માર્ગ પર જાતે ચાલવું પડે તો તે જીવનમાં કેળવાશે.મારા ઉપદેશ માત્ર સાંભળવાથી નહિ જીવનમાં ઉતારવાથી જીવનમાં ધીમે ધીમે બદલાવ આવે છે.’વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે ભગવાન બુદ્ધને તેમના ઉપદેશને સમજીને તેનું અનુસરણ કરવાનું વચન આપ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે