Charchapatra

લોકધ્વનિ

અલ્પવિકસિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય. દેશમાં 70 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરે છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર હોવા છતાં, ઉચ્ચ શિક્ષણ તમામને આપવાની બાબતમાં ઘણું પાછળ છે એવા અહેવાલો તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા. ગ્રામ્ય સ્તરે ગરીબો અને વંચિતોમાં શિક્ષણનું પ્રમાણ નહીંવત્ હોવા અંગે, ભૂખમરા તેમજ મા, બાપ મજૂરી કામ કરતા હોય બાળકોના ભણતર પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. દેશમાં ભૂખમરાની સ્થિતિ અંગે અહેવાલ તાજેતરમાં જ અખબારમાં પ્રસિદ્ધ થયેલ છે. અત્રે એ ન ભૂલવું જોઇએ કે સ્વર્ગસ્થ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ તો દેશની રાજધાની ગામડામાં હોવી જોઈએ એવું કહેલ, કે જેથી ગ્રામ્ય સ્તરે તમામ સુવિધાઓ તમામને મળી રહે.

  હવે બીજી તરફ ભણેલાં, કુશળ, અર્ધકુશળ બેકારોની ફોજ વધતી જાય છે. તેના મુખ્ય કારણ તપાસતાં જોવા મળે કે દેશમાં શારીરિક અને માનસિક શ્રમ વચ્ચે મોટો ભેદ પાડી દીધો છે. આમ બાળકોમાં પહેલાથી જ શારીરિક શ્રમ પ્રત્યે લગાવ ન રાખવાનું શિક્ષણ આપવામાં આવે છે. તવંગર બાળકોનાં મા બાપ તો પહેલેથી જ માનસિક શ્રમવાળી જોબ કરતા હોય છે. વિદેશમાં શારીરિક અને માનસિક શ્રમ વચ્ચે કોઈ ભેદભાવ નથી. માટે બેકારોની ફોજ ઘટાડવી હશે તો કામ પ્રત્યેની સૂગ દૂર કરવી પડશે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top