ટ્રેનોમાં અપડાઉન કરતા પાસ હોલ્ડરની ભારે ધાક રહેતી હોય છે. તેઓ સીટ માટે પેસેન્જરો સાથે મારામારી પણ કરતા હોય છે. આવી જ એક ઘટના ફ્લાઈંગ રાની ટ્રેનમાં બની હતી.
બે વર્ષ પહેલાં ફ્લાઈંગ રાણી ટ્રેનમાં વાપી સ્ટેશન બાદ જનરલ કોચમાં બેસવા દેવાના મુદ્દે ફરિયાદી પેસેન્જરને ગાળો આપી લાફો મારીને કાનમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. આરોપી પાસ હોલ્ડરને સુરત રેલ્વે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પંકજ રાઠોડે ઈપીકો-325ના ગુનામાં બે વર્ષની કેદ ફરિયાદીને 20 હજાર વળતર પેટે ન ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારી છે.
ફરીયાદી કેતનભાઈ મનસુખભાઈ બરવાળીયા ગઈ તા. 9-6-2023ના રોજ ફ્લાઈંગ રાણી ટ્રેનમાં જનરલ કોચમાં બેસીને મુસાફરી કરતા હતા. જે દરમિયાન વાપી રેલ્વે સ્ટેશન બાદ પાસ હોલ્ડર્સ દ્વારા જનરલ કોચમાં બેસવાના મુદ્દે તકરાર કરી હતી.
તેમાં 25 વર્ષીય આરોપી પાસ હોલ્ડર સુમિત અજીતભાઈ પટેલ(રે.હીર રેસીડેન્સી,કલવાડા વલસાડ)એ ફરિયાદીને ડાબા ગાલ પર લાફો મારી કાનમાં ગંભીર ઈજા પહોંચાડીને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી. જે અંગે ફરિયાદી કેતન બરવાળીયાએ વાપી રેલ્વે પોલીસમાં આરોપી પાસ હોલ્ડર સુમિત પટેલ વિરુધ્ધ ઈપીકો- 325,504,,504,506(2)ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.
આજ રોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ફરિયાદપક્ષે એપીપી માર્ટીન પરમારે કુલ આઠ સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી સુમિત પટેલને ઈપીકો-325ના ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની કેદ તથા ફરિયાદીને 20 હજાર વળતર ન ચુકવે તો વધુ બે મહીનાની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીને ટ્રેનમાં જગ્યા રોકવા બાબતે માર માર્યો છે. ટ્રેનમાં રોજ અપડાઉન કરતાં પાસ હોલ્ડરનું ગ્રુપ જો તેમની ફિક્સ જગ્યા પર કોઈ બીજા બેસે તો જનરલ સીટ હોવા છતાં રીઝર્વેશન હોય તેમ બેસવા દેતા નથી. તેથી આરોપીને સજામાં પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો સમાજમાં વિપરિત અસર પડવા સાથે આવી પ્રવૃત્તિ કરતા લોકોને વેગ મળે તેમ છે.
