Charchapatra

વાંસળીવાળો કલાકાર

કલા એટલે લલિતવિદ્યાને લગતી કોઈ પણ એક શક્તિ. શાસ્ત્રોમાં 64 પ્રકારની કલાનો ઉલ્લેખ જોવા મળે છે. કલાકાર એટલે તે તે વિદ્યામાં નિષ્ણાત-આર્ટિસ્ટ. સૌ પોતાની રસ-રુચિ અનુસાર સાહિત્ય, કલા તરફ વળે છે. કલા માનવજીવનને આનંદ આપે છે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, નાટય સંગીત, સ્થાપત્ય, ફોટોગ્રાફી દરેક સ્થિતિમાં સર્જનનાં સૌંદર્યતત્ત્વનો અધિકારી કલાકાર છે. શબ્દ દ્વારા પ્રગટ કરનાર સાહિત્યકાર કહેવાય. આજે એક વાંસળી વેચનારને સાંભળીને કલાકારની યાદ આવી.

સવારમાં ઘર પાસે વાંસળીનો  સુંદર અવાજ સાંભળીને બહાર આવતાં જોયું તો, 25 વર્ષનો એક યુવાન રોજીરોટી માટે વાંસળી વેચાવા માટે નીકળ્યો હતો. ભારે કલાકાર. તપાસ કરતાં જણાવ્યું કે, આજીવિકા માટે બાપ-દાદાનો આ વ્યવસાય હોય બાળપણથી જ વાંસળી વગાડવાની તાલીમ મળી જાય. બસ, પછી વાંસળી વેચીને જીવનનિર્વાહનો પ્રશ્ન હલ થઈ જાય.  અહીં મને મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીનું ‘વાંસળીવાળો’ કાવ્ય યાદ આવ્યું,  જેમાં સંગીતનું સૌંદર્ય અને એની મસ્તી વ્યંજિત થઈ છે.

વાંસળીની કિંમત ભલે ઓછી હોય, એનો સ્વર-નાદ તો અમૂલ્ય છે અને વેચનાર માત્ર વેપાર કરતો વેપારી નહીં, એય પછી કલાકાર બની રહે છે! પેટ ભરવાની પ્રવૃત્તિથી મન ભરાય એનો આનંદ જ જુદો હોય છે. આજે તો બધે જ વંશપરંપરાગત ગતિ ચાલે, એટલે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે પાછળ રહી જાય. અલબત્ત, કોઈક જ પોતાની રીતે આગળ આવે એમ બને. નહીંતર રોજીરોટી માટે મજૂરીકામમાં જીવન પૂર્ણ થઈ જાય. કલાકારોની સાચી કળાની કદર થાય એવા માહોલનું સર્જન થશે તો આવનારા ભવિષ્યમાં ઉત્તમ સાહિત્યકાર-કલાકાર મળી શકશે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત શહેર પોલીસ કમિશનર અને શી (she) ટીમ
સુરત શહેર પોલીસ  કમિશનરપદે આરૂઢ  થતાં જ શ્રી ગેહલોતે પહેલું  કામ શહેરમાં ગુનાખોરીને  ડામવાનું, ખાસ કરીને મહિલાઓ સાથે વર્ક પ્લેસ પર થતી  જાતીય સતામણી , ઘરેલુ હિંસા , સિનિયર સિટીઝનના  પ્રશ્નોને વાચા આપવા  કામગીરી હાથ ધરી છે અને  શી ( she ) ટીમને   કાર્યરત કરી છે. શહેરના છેવાડાના વિસ્તારો  જેવા કે કતારગામ, કાપોદ્રામાં તો   એકતરફી પ્રેમમાં યુવતીઓ  પર   ‌ જીવલેણ  હુમલા જેવી ઘટનાઓ વધતી જાય છે અને  દર ચોથે ઘરે  એક  ઘરેલુ હિંસાનો  બનાવ  બનતો જોવા મળે છે.

પોતાની સુરક્ષા માટે ૧૦૦, ૧૦૮  અભયમ મહિલા હેલ્પલાઇન  જેવા નંબરો  તો છે જ. પણ કેટલીક મહિલાઓ  તેનાથી  અજાણ હોય અથવા  કોઈક  ડરને કારણે તેનો ઉપયોગ ન કરતી હોય  તેવા કિસ્સામાં  તેમણે  શી  ટીમને  ઘરે  ઘરે  ફરી ( stand by  કરી )મહિલાઓને  સમજાવવા  આદેશ કર્યો  હતો. જે  વહીવટનું જમા પાસું કહી શકાય.તો આવા  બનાવો બનતાં  હોય ત્યાં  મહિલાઓ  પોતે જાગૃત‌ થઈ  શી ટીમને સહકાર  આપે  અને  અભિયાનને  સફળ  બનાવે. સુરતને  સિંગાપોરના  લેવલ પર મૂકવાનું સપનું તો  છે જ, પરંતુ  ( zero crime  city )    લેવલ પર મૂકવાનું વધુ  યથાર્થ  લેખાશે.
સુરત     – વૈશાલી શાહ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top