સુરત સાથે તાપી જિલ્લામાં પણ બર્ડફ્લુ ફેલાયો હોવાની શક્યતા પ્રબળ બની છે. શુક્રવારે મઢી બાદ બારડોલી શહેરમાં પણ 17 મૃત કાગડાના મોત થયા હતા. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બહારીમાં 23 કાગડા અને 2 બગલાના મોત થયા હતા. ભરૂચ જિલ્લામાં પણ પોલ્ટ્રીફાર્મ પર સર્વે શરૂ કરી દેવાયો છે.
બે દિવસ પહેલા બારડોલી તાલુકાનાં મઢી રેલવે સ્ટેશન કોલોનીમાં ચાર કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ બારડોલી શહેરના મેમણ કબ્રસ્તાન નજીક શુક્રવારે 17 જેટલા મૃત કાગડાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વન વિભાગની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી પંચકયાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકામાં ૨ દિવસ પહેલા મોટી સંખ્યામાં મરઘાઓનાં મોતની ઘટના બાદ શુક્રવારે બુહારીનાં વીરપોરમાં આવેલી શ્રી મોરારજી રણછોડજી દેસાઈ આર્ટસ કોલેજનાં કેમ્પસમાં ૨૩ જેટલાં કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ જેટલાં પક્ષી છેલ્લા ૧૭ કલાકમાં ટપોટપ મૃત્યુ પામતાં સ્થાનિક તાપી જિલ્લાનાં પશુ ચિકિત્સકો તો ઠીક સુરતનાં પશુ રોગ અન્વેષણની ટીમે પણ તાપી જિલ્લામાં તપાસ માટે ધામો નાંખ્યો હતો.
આ દરમિયાન સુરતની પશુ રોગ અન્વેષણની ટીમ તપાસ માટે ઘટના સ્થળે આવી હતી તે સમયે તેમની નજર સામે જ ત્રણ કાગડા વૃક્ષો પરથી જમીન પર પટકાયા હતા. જેમાં પશુ તબીબે તાત્કાલિક સારવાર આપતા હાલ બે જીવિત છે, જ્યારે એકનું મોત નિપજ્યુ હંતુ. જીવિત કાગડાઓ સ્થાનિક વન વિભાગનાં દેખરેખ મુકવામાં આવ્યા છે. મૃત કાગડા પૈકી કેટલાકનાં સેમ્પલો વધુ તપાસ અર્થે સુરત લઈ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ કાગડા- બગલાનાં મોતનું સચોટ કારણ હાલ બહાર આવ્યું નથી.
સમગ્ર ગુજરાતમાં બર્ડ ફ્લુની દહેશતના પગલે તંત્ર પણ એલર્ટ થઈ રહ્યું છે જેના પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં ચાલી રહેલી ચિકનની શોપ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું, વિદેશી પક્ષીઓમાંથી ગુજરાતમાં બર્ડ ફલુની દહેશત વર્તાઈ રહી છે, જેના પગલે ભરૂચ જિલ્લા સહિત તમામ તાલુકાઓમાં પણ તંત્ર સજ્જ થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં જુદા-જુદા તાલુકા દીઠ 5-5 ટીમ સર્વે માટે ઉતારી છે. જેઓ 168 જેટલા રજીસ્ટર્ડ પોલ્ટ્રીફાર્મ પર જઈ સર્વે કરશે. હાલમાં 153 ફાર્મસ્ પર 3,87,900 પક્ષી આવેલા છે તેનો સર્વે આ ટીમ દ્વારા કરવામાં આવશે.
15 કાગડાની બોડી ડિકમ્પોઝ થઈ ગઈ જ્યારે, બે કાગડાની બોડી પી.એમ. માટે ભોપાલ મોકલાઈ
નાયબ પશુપાલક નિયામક એન.વી દવેએ જણાવ્યું હતું કે બારડોલીમાં મૃત હાલતમાં મળેલા 15 કાગડાની બોડી ડિમ્પોઝ થઈ ગઈ હતી. જેમના મોત ચાર દિવસ પહેલા થયા હોવાનું અનુમાન છે. જ્યારે બે કાગડાની બોડી પી.એમ. માટે ભોપાલ લેબમાં મોકલી અપાઈ છે. જેથી રિપોર્ટ આવ્યા બાદ કાગડાના મોતનું સાચુ કારણ જાણી શકાશે.