એક સુંદર સુગંધી ફૂલ છોડ પર ઉગ્યું…અતિસુંદર અને રંગબેરંગી …..તેના ઉગવાથી બાગની શોભા વધી અને છોડનું સૌન્દર્ય…ફૂલ છોડ પર ખીલીને આમ તેમ ઝૂલ્યા કર્યું…પવનની સાથે વાતો કરતુ ..પતીન્ગીયા સાથે મસ્તી કરતુ ..હસતું …એક દિવસ વીત્યો …બીજો દિવસ વીત્યો ….. ફૂલને કોઈએ છોડ પરથી ચૂંટ્યું નહિ….બધા ફૂલને છોડ પર જોઈ ખુશ થતા ..પણ કોઈ તેને તોડતું નહિ.
ત્રીજા દિવસે ફૂલનો આનંદ ઓછો થવા લાગ્યો …તે ઉદાસ હતું…તેને ખબર હતી કે મારું જીવન ત્રણ ચાર દિવસનું જ છે જો તેમાં કોઈ મણે ચૂંટીને ઉપયોગમાં નહિ લે તો તેનું ઊગવું ..તેનું ખીલવું તેની સુગંધ બધું નકામું થઇ જશે.ત્રીજા દિવસે પણ તેને કોઈએ તોડ્યું નહી …ચોથા દિવસે તો ફૂલની સુંદરતા ઓછી થતી ગઈ …તેની પાંદડીઓ મુરઝાવા લાગી….અને ફૂલ રડવા લાગ્યું ….કરમાતા કરમાતા ફૂલ રડી રહ્યું હતું ત્યારે એક માણસ આવ્યો તેણે ફૂલને કહ્યું, ‘ફૂલ તું રડે છે શું કામ ?? નાદાન ફૂલ શું તને ખબર નથી કે તું ફૂલ છે તારું જીવન ટૂંકું જ હોય …ખીલીને કરમાઈ જવું જ તારું જીવન છે તેમાં પછી વિદાઈ વેળાએ રડવાનું શું ??’
ફૂલ રડતા રડતા બોલ્યું, ‘ભાઈ મારું જીવન નાનકડું છે …મારે ખીલીને કરમાઈ જવાનું જ હોય તે પણ મને ખબર છે ..હું કરમાઈ ગયું …મારો અંત સમય આવી ગયો એટલે નથી રડતું હું રડું છું કારણ કે આ ટૂંકા જીવનમાં હું કોઈને ઉપયોગી ન થઇ શક્યું…..કોઈએ મને ચૂંટીને પ્રભુ ચરણોમાં ન મુક્યું…કોઈએ મને ચૂંટીને માળા ન બનાવી ..ન વેણીની શોભા બની શક્યું….ન કોઈ ફુલદાનમાં મને સ્થાન મળ્યું…ન કોઈએ મને ચૂંટીને અત્તર બનાવ્યું….કોઈને ઉપયોગી થવાની મને તક ન મળી …હું મારા ટૂંકા જીવનમાં કોઈને ઉપયોગી થયા વિના કરમાઈ રહ્યું છું તેનું મને દુઃખ છે.મારું જીવન નકામું ગયું ….બસ આ વિચારથી મારૂ હૈયું ભરાઈ આવ્યું છે અને આંસુ રોકાતા જ નથી…’ ફૂલ રડતું રહ્યું..
માણસના મનમાં રડતાં ફૂલની આ વાત સાંભળી વિચાર આવ્યો કે મારું માનવજીવન પણ ક્યારે પૂરું થઇ જાય તેની ખબર નથી.આ માનવ જીવન વ્યર્થ વેડફાઈ ન જાયતે માટે જીવનમાં સમાજ ઉપયોગી કાર્ય કરવા અન્યની મદદ કરવી જરૂરી છે. ચાર દિવસની આ જીંદગીમાં અંત સમયે જો રડવું ન હોય તો અન્યને ઉપયોગી થવું જરૂરી છે…..અન્યના કામમાં આવવું જીવનનું સૌથી જરૂરી કર્તવ્ય છે.માણસે તે કર્તવ્ય પૂરું કરવાનું નક્કી કર્યું.આપણે પણ સદા અન્યને ઉપયોગી થવા તત્પર રહીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.