ફિલ્મોમાં નહીં તો વેબસિરિઝમાં ચાલી ફ્લોરા સૈની

આર્મી ઓફીસરની દિકરી હોવું શું ફિલ્મમાં અભિનયનો ગ્રીન કાર્ડ બની ગયો છે ? આજકાલ તમે એવી અનેક અભિનેત્રીઓ જોશો જે આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવી હોય. એકટિંગ સ્કૂલમાં નહીં, આર્મી પબ્લિક સ્કૂલમાં ભણી હોય. ફિલ્મ જગતમાં કોનો સ્વીકાર થાય, કોનો નહીં તેના કોઈ સ્પષ્ટ ધોરણ નથી. જેનો ચાન્સ લાગ્યો તેનો લાગ્યો. ફલોરા સૈની વિશે તમે એવું વિચારવા ચાહો તો વાંધો નથી કારણકે તે પણ આર્મી ઓફીસરની જ દિકરી છે ને હા, પંજાબી તો છે જ. એટલે કે ડબલ ગ્રીનકાર્ડ ધરાવે છે. કન્નડ, તમિલ ફિલ્મો કરતાં કરતાં તે હિન્દી ફિલ્મોમાં પણ જગ્યા બનાવી ચુકી છે. 1999માં તે ‘પ્રેમા કોસમ’ નામની તેલુગુ ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રવેશેલી. નિર્માતાએ તેને આશા સૈની નામ આપેલું પણ થોડા વર્ષ પછી જ્યોતિષીના કહેવા મુજબ નામ બદલ્યું અને મયુરી થઈ અને આખર તે તેના મૂળ નામ ફલોરા તરફ પાછી ફરી.

તેને નામ બદલવું એટલે જરૂરી લાગેલું કે ફિલ્મો તો મળતી પણ તેમાં તેને સહાયક અભિનેત્રી તરીકે જ કામ કરવાનું બનતું પરંતુ ‘નરસિંહા નાયડુ ફિલ્મ ખૂબ સફળ ગઈ અને મુખ્ય અભિનેત્રી તરીકે પરદા પર દેખાવા માંડી. એટલું જ નહિ પછી તેને હિન્દી ફિલ્મમાં પણ તક મળી જે હતી ‘ભારત ભાગ્ય વિધાતા’ એ ફિલ્મે તેને ‘લવ ઈન નેપાલ’ અપાવી જેમાં તે સોનુ નિગમ સાથે મુખ્ય ભૂમિકામાં હતી.પણ આવી ફિલ્મો કાંઈ કોઈને ટોપ પર ન લાવી શકે એટલે તે દક્ષિણની ફિલ્મોમાં કામ કરતી રહી અને એવી ઘણી ફિલ્મો પછી ‘દબંગ-2’ માં તેને રિપોર્ટરની ભૂમિકા મળી. તેને નાની ભૂમિકાનો વાંધો ન હતો અને 2014 પછી તેને ઢગલાબંધ હિન્દી ફિલ્મો મળતી થઈ. તેમાં નાગેશ કૂકનૂરની ‘સ્વામી’ અને ‘ધનક’ હતી. દિપક તિજોરી દિગ્દર્શીત ‘દો લફઝોં કી કહાની’, મહેશ ભટ્ટની ‘બેગમ જાને’ રાજકુમાર રાવ સાથેની ‘સ્ત્રી’ કે જેમાં તે સ્ત્રીના પાત્રમાં હતી.

આ બધી ફિલ્મો મળી પણ મુખ્ય અભિનેત્રી બીજી જ રહી. હવે તે સમજી ચુકી છે કે સહાયક અભિનેત્રી તરીકે જ વધુ કામ મળવાનું છે એટલે અત્યારે ‘200-હલ્લા હો’ ‘ચડ્ડી’ અને ‘ભેડીયા’માં સહાયક અભિનેત્રી તરીકે જ કામ કરી રહી છે. તેની પાસે ‘ઈશ્ક ફિતૂટી’ અને ‘36 ફાર્મ હાઉસ’ સહિતની ફિલ્મો પણ છે. પરંતુ તે વેબસિરીઝ પણ કરી રહી છે. ‘મેડ ઈન ઈન્ડિયા’ થી માંડી ‘ગંદી બાત’, ‘ઈન સાઈડ એજ’, ‘બોમ્બર્સ’, ‘આર્યા’ ‘પુરુષપૂટ’ સહિત અગિયારેક વેબ સિરીઝ તે કરી ચુકી છે.  હવે તે સાઉથથી વધુ હિન્દી ફિલ્મોને વેબસિરીઝમાં જ કામ કરે છે. તે બંગાળી વેબસિરીઝ દૂપૂર ઠાકુરપો હોઈચોઈ’ માં ય કામ કરી ચુકી છે. તે હવે કોઈપણ ભાષા સાથે જાણે કમ્ફર્ટ અનુભવે છે. વચ્ચે તે એવા વિવાદમાં પણ ફસાયેલી કે તે ખોટા વિઝા દસ્તાવેજ ધરાવે છે. તમિલ ફિલ્મોદ્યોગ તો તેને કામ જ આપવાનું બંધ કર્યુ. એવો વિવાદ જો કે ‘એમએશજી : મેસેન્જર ઓફ ગોડ’ ફિલ્મમાં સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવી ત્યારે પણ સર્જાયેલો અને સોશ્યલ નેટવર્કિગ સાઈટ પર ફોન પર તેની બદબોઈ કરવામાં આવેલી. મીટ્ટુની ચળવળ વખતે તેણે નિર્માતા ગૌરાંગ દોશીએ તેનું શારીરિક શોષણ કર્યાનો આરોપ મુકેલો. ખેર, તેનું 43મું વર્ષ ચાલે છે અને હજુ તે પરણી નથી.

Most Popular

To Top