સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લાં બે દિવસથી સતત અનારાધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર પાણી ભરાયા છે. સૌથી ખરાબ હાલત સીમાડાના પુણા કુંભારિયા અને સણીયા હેમાદ ગામની છે.
અહીં વરસાદના લીધે ખાડી ઉભરાતા ગામમાં વસતા 30 ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ગ્રામજનોએ આખી રાત રસ્તા પર વીતાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય તાપી ઉભરાઈ છે, તેના પગલે કોઝવે તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું હોય કોઝવે બંધ કરાયો છે.
પરવટપાટિયા ગોડાદરા રોડ પર કમર સુધી પાણી ભરાયા
સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસતા સુરતના સીમાડાના ખાડી કિનારાના ગામડાંઓની હાલત બગડી છે. સણીયા હેમાદ, કુંભારિયાના ગામોમાં પાણી ભરાયા છે તો પરવટ પાટિયા, ગોડાદરાના બીઆરટીએસ રોડ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના લીધે અહીં ટુ વ્હીલર માટે રસ્તા બંધ કરી દેવાયા છે. માત્ર બીઆરટીએસ બસો દોડી રહી છે.
સુરતના છેવાડે આવેલા કુંભારિયા ગામમાં પૂર
સુરતના છેવાડે આવેલા કુંભારિયા ગામ ખાડીની નજીક છે. અહીં ભારે વરસાદના લીધે ખાડી ઉભરાતા પાણી ગામમાં ફરી વળ્યું છે. અંદાજે 30થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના લીધે 250 લોકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ગ્રામજનોને સ્કૂલ અને વાડીમાં આશરો લેવાનો વારો આવ્યો છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાના લીધે અહીં દર વર્ષે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તંત્ર તરફથી બિલકુલ કાળજી લેવામાં નહીં હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. સણીયા હેમાદમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
સુરતના છેવાડ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં 36 કલાક કરતા વધુ સમયથી સતત પડતા વરસાદને લીધે ખાડીઓના પાણીના સ્તરમાં વધારો થયા સણિયા હેમાદ સહિત સીમાડાના ખાડી કિનારાના ગામોમાં પાણી પ્રવેશ્યા છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્માર્ટ સિટીની પોલ પહેલાં જ વરસાદે ઉઘાડી પાડી દીધી છે.
પાણીનું સ્તર વધતા કોઝવે બંધ કરાયો
સુરત જિલ્લામાં ભારે વરસાદના લીધે ખાડી અને તાપી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. પાણીનું લેવલ વધતા કોઝવે બંધ કરી દેવાયો છે. હાલમાં કોઝવેની સપાટી 6.11 મીટર છે. ઉલ્લેખનીય છે કે કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હાલ કોઝવે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે.