National

બેંગલુરુમાં પૂર: રસ્તાઓ પાણીમાં ગરકાવ, લોકોને બચાવવા બોટની મદદ લેવાઈ

બેંગલુરુ: બેંગલુરુ(Bengaluru)માં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ(Heavy Rain)ને કારણે પૂર(Flood) જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંના ઘણા વિસ્તારોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે બોટ(Boat)ની મદદ લેવામાં આવી રહી છે. અહીંના વર્થુર ઉપનગરમાં બોટને લેન્ડ કરવાની હતી. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બેલાંદુર, સરજાપુરા રોડ, વ્હાઇટફિલ્ડ, આઉટર રિંગ રોડ અને BEML લેઆઉટનો સમાવેશ થાય છે. અગાઉ 30 ઓગસ્ટે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે પણ સ્થિતિ આવી જ હતી.

પહેલીવાર પોશ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા
મરાઠાહલ્લીના સ્પાઈસ ગાર્ડન વિસ્તારમાં ટુ-વ્હીલર પાણીમાં તરતા જોવા મળ્યા હતા. સ્પાઈસ ગાર્ડનથી વ્હાઈટફિલ્ડ સુધી પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ વખતે પહેલીવાર અનેક પોશ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીંના ઘણા રહેવાસીઓએ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પાસે મદદ માંગી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરેલા વર્ગખંડો, પુસ્તકો અને બેગ શાળાઓમાં ડૂબી ગયા હતા . સામે આવેલા વીડિયોમાં બાળકોની બેગ અને પુસ્તકો પાણીમાં તરતા જોવા મળે છે. જ્યારે બાળકો વર્ગખંડમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. શાળાના શિક્ષકો અને સ્ટાફ પણ વસ્તુઓને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એરપોર્ટ પર પણ પાણી ભરાયા, મુખ્યમંત્રી સામે લોકોમાં રોષ
બેંગલુરુ એરપોર્ટ પર પણ ભારે વરસાદની અસર જોવા મળી. એરપોર્ટના મુખ્ય ગેટ પર પણ પાણી ભરાઈ ગયા હતા. BMC બસ વ્હાઇટફિલ્ડ મેઈન રોડ પર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને લોકોએ દોરડા વડે ખેંચી હતી. ઘણા લોકોએ ટ્વિટ કરીને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પર નિશાન સાધ્યું છે. લોકોએ કહ્યું કે હવે બેંગલુરુ યુરોપિયન લેવલનું શહેર બની ગયું છે. અહીંના વિસ્તારો વેનિસ જેવા દેખાવા લાગ્યા છે. એક યુઝરે કહ્યું કે આટલી આવક એકત્ર કર્યા પછી પણ બેંગ્લોરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશના સૌથી ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંનું એક છે.

9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે કર્ણાટકમાં 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. બેંગલુરુ, કોસ્ટલ કર્ણાટકના 3 જિલ્લા અને એક પહાડી પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. કોડાગુ, શિવમોગ્ગા, ઉત્તરા કન્નડ, દક્ષિણ કન્નડ, ઉડુપી અને ચિકમગલુર જિલ્લાઓ માટે 5 થી 9 સપ્ટેમ્બર વચ્ચે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાનું કહેવામાં આવ્યું છે.

Most Popular

To Top