મેઘાલય: મેઘાલય(Meghalaya)માં ભારે વરસાદ(Rain)ના કારણે પુર(Flood) આવ્યું છે. જેના કારણે જન જીવનને માઠી અસર પહોંચી છે. પુરની સાથે સાથે અનેક સ્થળોએ ભૂસ્ખલન(Landslides) પણ થઈ રહ્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં 4 લોકોમાં મોત(Death) થઇ ચુક્યા છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ અને પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાઓની સરહદો ધરાવતા રાજ્યના જીજીકાથી મેગુઆને જોડતો લાકડાનો પુલ પૂરના પાણીમાં ધોવાઈ ગયો હતો. જેનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આખો પુલ ધરાશાયી થઈને પૂરના પાણીમાં વહી ગયો હતો.
ભૂસ્ખલનના પગલે એક જ પરિવારના ત્રણ લોકોના મોત
ભારે વરસાદને કારણે મેઘાલયમાં જનજીવન થંભી ગયું છે, અવિરત વરસાદને કારણે પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના ગામ્બેગ્રે વિસ્તારમાં ભૂસ્ખલનના પગલે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે, જ્યારે મુશળધાર વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર વધવાથી આસામના માંકાચર જિલ્લામાં પૂર આવ્યું છે, જેમાં ઘણા ગામો ડૂબી ગયા છે અને સેંકડો પરિવારો આના કારણે પ્રભાવિત થયા છે.
ગુવાહાટીના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ
ભારે વરસાદને કારણે ગુવાહાટી શહેરના કાહિલીપારા, જાટિયા અને હાટીગાંવ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસાના કારણે મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે અને લોકોએ તેના વિશે સાવચેત રહેવાની જરૂર છે.
મેઘાલયમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર
મેઘાલયમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીના અનેક લોકોના મોત થયા છે. તો મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોની શોધમાં ઘર છોડીને જવું પડ્યું છે. અહીં ત્રણ ટેકરીઓ છે – ગારો, ખાસી અને જૈનતિયા. જેમાં ગારો હિલ્સમાં બે અલગ-અલગ સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે એક પરિવારના ત્રણ સભ્યો અને એક બાળકનું મોત નીપજ્યું હતું. તેમજ રૂગાને જેજીકા ગામને જોડતો બગી નદી પરનો પુલ પૂરના પાણીમાં ધોવાઈ ગયો હતો. બગીને ગારો ભાગની ત્રીજી સૌથી મોટી નદી કહેવામાં આવે છે.
મેઘાલયમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ ચોમાસું તેની કુદરતી ગતિથી થોડું ધીમુ થઈ ગયું છે. પરંતુ હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે.જેનામાની અનુસાર, 29મી મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ચોમાસું અન્ય રાજ્યોની સાથે સમગ્ર ઉત્તરપૂર્વને આવરી લે છે.અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.