સુરત: (Surat) કિશનગઢમાં કમોસમી વરસાદ અને નબળી વિઝીબીલીટીના લીધે સુરત-કિશનગઢની ફ્લાઈટ આજે રદ રાખવામાં આવી હતી. સુરતથી કિશનગઢના બદલે ફ્લાઈટ (flight) પરત બેલગામ રવાના થઈ હતી. એરલાઈનના (Airlines) પ્રવક્તાએ કહ્યું કે, લો વિઝીબીલીટીના લીધે લેન્ડિંગ શક્ય નહીં હોય ફ્લાઈટ રદ કરી જોખમ ટાળવામાં આવ્યું છે. પેસેન્જરોના બુકિંગ નહોતા તેથી ફ્લાઈટને પરત બેલગામ રવાના કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડિસેમ્બર મહિનામાં ખાનગી એરલાઈન્સ સ્ટાર એર દ્વારા સુરત-કિશનગઢ-બેલગામને જોડતી 50 સીટર ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. 80 ટકા બુકિંગ સરેરાશ મળી રહ્યાં છે. દરમિયાન સોમવારે રાબેતા મુજબ ફ્લાઈટ બેલગામથી સુરત આવી હતી અને બપોરે 13.50 કલાકે સુરતથી કિશનગઢ રવાના થવાની હતી. પરંતુ કિશનગઢમાં ખરાબ હવામાન અને વરસાદના લીધે લો વિઝીબીલીટી હતી, જેના લીધે ફ્લાઈટને સુરત એરપોર્ટ પર જ અટકાવી દેવાય હતી. કિશનગઢ જવાના બદલે ફ્લાઈટ સુરતથી જ પરત બેલગામ રવાના થઈ હતી. એરલાઈનના પ્રવક્તાએ કહ્યું કે, લો વિઝીબીલીટીના લીધે લેન્ડિંગ શક્ય નહીં હોય ફ્લાઈટ રદ કરી જોખમ ટાળવામાં આવ્યું છે. પેસેન્જરોના બુકિંગ નહોતા તેથી ફ્લાઈટને પરત બેલગામ રવાના કરાઈ હતી.
સુરત એરપોર્ટ પર એન્ટીહાઈજેક મોકડ્રીલનું આયોજન કરાયું
નેશનલ સિવિલ એવીએશન સિક્યુરીટી પ્રોગ્રામ અંતર્ગત આજે સુરત એરપોર્ટ ખાતે એન્ટીહાઈજેક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટ સ્ટાફ, એરલાઈન્સ સ્ટાફ, પોલીસ, ખાનગી સિક્યુરીટી સર્વિસ સહિત તમામની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓની તપાસ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે એરપોર્ટ ઓપરેટ થતી હોય ત્યાં દર વર્ષે એન્ટિ હાઇજેક મોકડ્રીલનું આયોજન કરાતુ હોય છે.
એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્ત કેટલો સચોટ છે તે ચકાસવા માટે એરપોર્ટ પોલીસ અને સિક્યુરીટી સ્ટાફ દ્વારા અવારનવાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવતો હોય છે. ગયા મહિને જ એક મોકડ્રીલ કરાયું હતું. દરમિયાન આજે નેશનલ સિવિલ એવિએશન સિક્યુરીટી પ્રોગ્રામ હેઠળ હાઈજેકની પરિસ્થિતિમાં સુરત એરપોર્ટના સુરક્ષા બંદોબસ્તની તપાસ હેતુથી એન્ટીહાઈજેક મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં એરપોર્ટ કે વિમાનમાં કોઈ આતંકવાદી હથિયારો સાથે ઘૂસી આવે તો કેવી રીતે તે વિકટ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષિત રાખવા અને આતંકવાદીઓને ઠાર મારવા માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓની તૈયારીઓ ચકાસવામાં આવી હતી. મોકડ્રીલ પૂરું થયા બાદ એરપોર્ટ સ્ટાફ, કલેક્ટર, પોલીસ અધિકારીઓએ સમીક્ષા કરી હતી અને જ્યાં જ્યાં ખામીઓ દેખાય હતી તેને તંદુરસ્ત કરવા સૂચનો આપ્યા હતા.