SURAT

બેંગકોકથી સુરત આવતી ફ્લાઈટ ઉપડે તે પહેલાં જ અટકાવી દેવાઈ, એન્જિન બગડ્યું…

સુરત: અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ બોઇંગ 171ની હોનારત બાદ હવે બેંગકોકથી સુરત આવી રહેલી એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ (AI 263)માં પણ તકનિકી ખામીને પગલે વિમાન ટેકઓફ નહીં થતાં તેને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું હતું. 190 પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતાં,ફ્લાઇટ એપ્રન પર હતી ત્યારે અંતિમ તપાસ દરમિયાન પાયલટએ એન્જિન સામાન્ય સ્થિતિ કરતા કંઈક જુદી હોવાની શંકા વ્યક્ત કરી હતી,એને પગલે આ વિમાનનું રિપેરિંગ કામ શરૂ થયું છે.

  • અમદાવાદની વિમાની હોનારતનો ભોગ બનેલા બોઈંગના વિમાનની જેમ આ વિમાનમાં પણ સમસ્યા
  • 190 પેસેન્જર વિમાનમાં બેસી ગયા હતાં, ફ્લાઇટ એપ્રન પર હતી ત્યારે અંતિમ તપાસ દરમિયાન પાયલટએ શંકા વ્યક્ત કરી
  • બોર્ડિંગ કર્યા પછી વિમાનમાં બેસેલા 190 પેસેન્જરોને બે કલાક ફ્લાઇટ મોડી જશે એવું કહી એરપોર્ટ પર જ ઉતારો અપાયો, ફ્લાઇટ આજે પરોઢે આવશે

પેસેન્જરોએ વિમાનના એન્જિનનું મેઇન્ટેનન્સ થઈ રહ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.બેંગકોક એરપોર્ટ પર વિમાનમાં બોર્ડિંગ કર્યા પછી વિમાનમાં બેસેલા 190 પેસેન્જરોને બે કલાક ફ્લાઇટ મોડી જશે એવું કહી ઉતારી લેવામાં આવ્યા હતા.આ વિમાન પણ બોઈંગ કંપનીનું જ છે અને હાલમાં તેમાં તકનિકી ખામી હોવાનું જણાવાયું છે પરંતુ લંડનની ફ્લાઈટની જેવી જ આ વિમાનમાં પણ સમસ્યા સર્જાઈ હોવાની ચર્ચા ઉઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બેંગકોક એરપોર્ટ પર વિમાન એપ્રન પરથી રનવે પર જાય એ પૂર્વે એન્જિનિયરો રૂટિન ચેકિંગ કરતા હોય છે. કહે છે કે, આ સમયે પાયલટ એ એન્જિનની થ્રસ્ટની ટેક્નિકલ ખામી તરફ ધ્યાન દોરતા એન્જિનિયરોની ટીમે ડિટેલ તપાસ શરૂ કરી હતી.અને પેસેન્જરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.ફ્લાઇટ આજે પરોઢે આવશે. બેંગકોક એરપોર્ટથી આ ફ્લાઇટ સાંજે 04.45 કલાકે ઊડવાની હતી. પણ પેસેન્જરોને બે કલાક મોડી હોવાનું જણાવ્યું હતું.

નવો સમય રાતે 08.50 નો આપ્યો હતો.પણ સંભવતઃ આ ફ્લાઇટ શનિવારે વેહલી સવારે આવે એવી શક્યતા છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના બીજા દિવસે એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગકોક-સુરતની ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટની સમસ્યા ઊભી થઈ હોવાની શક્યતાને પગલે ફ્લાઇટ ટેકઓફ થઈ શકી ન હોવાનું સુરત એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંગકોક-સુરતના ફ્લાઇટ ઓપરેશન માટે બોઇંગ-737-મેક્સ-8 એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહી છે.આ એરક્રાફટમાં ટેકનિકલ ખામીને લીધે બોઇંગ કંપનીએ સામેથી એને ગ્રાઉન્ડેડ કરવાનો નિર્ણય લીધો હતો.થોડાક દિવસો જે તે દેશમાં આ વિમાનોમાં રહેલી ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવી હતી.એ પછી વિમાનને ઓપરેશન માટે કામે લેવામાં આવ્યા હતા.બેંગકોક એરપોર્ટ પર સાંજે 04.45 કલાક પૂર્વેથી આ વિમાનનું મરામત કામ ચાલી રહ્યું છે.રિપેરિંગ પછી ખાલી વિમાનનો ટ્રાયલ રન લેવાનો હોવાથી આજે રાતે પેસેન્જરો સાથે વિમાન નહીં મોકલવાની વાત બહાર આવી છે.

એરઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ – સુરત ફ્લાઇટ પણ મોડી પડી
આજે શુક્રવારે એરઈન્ડિયા એક્સપ્રેસની UAE ના શારજાહ એરપોર્ટથી સુરત આવવા નીકળેલી ફ્લાઇટ પણ મોડી પડી હતી.શારજાહમાં પેસેન્જરોને એવી જાણ કરવામાં આવી હતી કે, વેકેશન પૂર્ણ થતા જે લોકો પોતાના દેશ પરત જઈ રહ્યા છે,ત્યારે શારજાહ એરપોર્ટનો રનવે વિમાનોની લાંબી કતારથી વ્યસ્ત હોવાથી થોડાક વિલંબથી ફ્લાઇટ જશે.

જોકે એવિયેશન જગતમાં ચર્ચા એવી છે કે, એરઈન્ડિયાનું લંડન જતું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક તૂટી પડતા UAE માં તકેદારીના ભાગ રૂપે બોઇંગ કંપનીના વિમાનોની ઇજનેરી તપાસ પછી જ ટેકઓફ માટે રવાના થાય છે. એરલાઇન્સના ઇજનેરો અને શારજાહ એરપોર્ટ ઓથોરિટીના ઈજનેરો આ કંપનીના વિમાનોની ચકાસણી પછી ટેકઓફ માટે જણાવી રહ્યાં છે. જે તે દેશના લોકો એ ચકાસી રહ્યા છે કે, પોતાના દેશના નાગરિકો તો વિમાનમાં પણ બોર્ડ નથીને,આ ફ્લાઇટ શારજાહથી 04.45 કલાકે ઉપડી 08.50 કલાકે સુરત આવવાની હતી.એને બદલે થોડી મોડી ટેકઓફ કરવામાં આવી શકે છે.

Most Popular

To Top