Sports

ક્રિકેટના કિંગ વિરાટ કોહલીને 500 ઇન્ટરનેશનલ મેચ રમવા સુધી પહોંચાડવામાં પાંચ વ્યક્તિનો મોટો ફાળો

છેલ્લા એક દાયકાથી ભારતીય ક્રિકેટ પર રાજ કરનાર માજી કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઈન્ડિઝના પ્રવાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ તેની 500મી આંતરરાષ્ટ્રીય મેચ બની હતી. કોહલી આ સિદ્ધિ મેળવનાર ભારતનો માત્ર ચોથો ખેલાડી બન્યો હતો.. વિરાટ પહેલા સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોની આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. જોકે, વિરાટ માટે અહીં પહોંચવું બિલકુલ સરળ નહોતું. વિરાટના જીવનમાં કેટલાક એવા લોકો હતા જેમણે તેને દરેક વળાંક પર સાથ આપ્યો હતો. જો તેઓ ત્યાં ન હોત તો વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનો કિંગ ન બની શક્યો હોત અને ન તો તેણે 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી હોત. તો ચાલો જાણીએ એ લોકો કોણ છે જેમના વિના વિરાટ કોહલી માટે તેની 500મી મેચ સુધી પહોંચવું મુશ્કેલ હતું.

બાળપણના કોચ રાજકુમાર શર્મા
કહે છે કે ગુરૂ વિના કોઈ જ્ઞાન નથી, વિરાટ કોહલી સાથે પણ કંઈક આવું જ થયું છે. વિરાટ કોહલીને બાળપણમાં રાજકુમાર શર્મા જેવો શ્રેષ્ઠ કોચ મળ્યો હતો. રાજકુમાર શર્મા એકમાત્ર એવા વ્યક્તિ છે જેણે વિરાટની અંદર રહેલી પ્રતિભાને ઓળખી હતી. શરૂઆતથી જ રાજકુમાર શર્માએ વિરાટ કોહલી પર સખત મહેનત કરી હતી. આ જ કારણ છે કે જો કોહલી ક્રિકેટનો કિંગ બની ગયો છે તો તેમાં રાજકુમાર શર્માનું ઘણું યોગદાન છે. જ્યારે પણ વિરાટ કોહલીને તેના ગુરુની જરૂર હોય છે, ત્યારે તે સમયાંતરે તેની સલાહ લેતો રહે છે.

વિરાટને મળ્યો ધોની જેવો કેપ્ટન
વિરાટ કોહલીને નીચેથી ઉપર પહોંચવામાં મદદ કરવામાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો હાથ છે. શરૂઆતમાં એસ બદ્રીનાથનો સમાવેશ કરવા માટે વિરાટ કોહલીનો વિરોધ કરનારા ધોનીએ તે પછી વિરાટનું સમર્થન કર્યું હતુ. તેનું એક મોટું કારણ એ પણ છે કે વિરાટ કોહલીએ ધોનીની કેપ્ટન્સીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતના તબક્કામાં વિરાટ કોહલીની રમતમાં એવો કોઇ ચમકારો દેખાયો નહોતો અને તેનું સમર્થન કરનારા દિલીપ વેંગસરકર પસંદગી સમિતિમાંથી ગયા પછી આવેલા કે શ્રીકાંતે તેને ટીમમાંથી બહાર કરવાની તૈયારી કરી હતી, પરંતુ ધોનીએ વિરાટ કોહલીનું સમર્થન કર્યું હતું, અને તેને સતત તક આપી. ધોની માનતો હતો કે વિરાટ કોહલી લાંબી રેસનો ખેલાડી છે અને અંતે થ.યું પણ એવું જ.. વિરાટે પોતાની ભૂલોમાંથી શીખીને વિશ્વ ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી અને ધોની બાદ તેણે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી.

વિરાટ માટે દિલીપ વેંગસરકરનું બલિદાન
વિરાટ કોહલી હંમેશા કહે છે કે મહેન્દ્ર સિંહ ધોની તેના માટે મોટા ભાઈ જેવો છે પરંતુ એ ધોની જ હતો જે એક સમયે કોહલીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાના પક્ષમાં ન હતો. આ દાવો દિલીપ વેંગસરકરે કર્યો હતો, જેઓ તે સમયે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર હતા. તેના વિશે દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે, 2008ના અંડર-19 વર્લ્ડકપમાં વિરાટના પ્રદર્શન બાદ તે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવા માગતો હતો. મહેન્દ્ર સિંહ ધોની અને બીસીસીઆઈના તત્કાલીન કોષાધ્યક્ષ એન શ્રીનિવાસન તમિલનાડુના બેટ્સમેન એસ બદ્રીનાથને ટીમમાં ઇચ્છતા હતા. દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે વિરાટ કોહલીને પસંદ કર્યા બાદ શ્રીનિવાસને મને બદ્રીનાથને બહાર રાખવાનું કારણ પૂછ્યું હતું. મેં તેને કહ્યું કે વિરાટને મેં રમતા જોયો છે તે અલગ છે પરંતુ તેમણે કહ્યું હતું કે બદ્રીનાથે તમિલનાડુ માટે 800 રન બનાવ્યા. મેં કહ્યું હતું કે બદ્રીનાથને તક મળશે, જેના પર શ્રીનિવાસને કહ્યું કે તેને ક્યારે તક મળશે? તેની ઉંમર 29 વર્ષની છે. બીજા જ દિવસે એન શ્રીનિવાસન કૃષ્ણમાચારી શ્રીકાંતને શરદ પવાર પાસે લઈ ગયા. પવાર બીસીસીઆઈના અધ્યક્ષ હતા અને વેંગસરકરના સ્થાને શ્રીકાંતને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા.

શંકર બાસુએ ગોલુમોલુ વિરાટને કર્યો ફિટ
એક સમય હતો જ્યારે વિરાટ કોહલી ખૂબ જ ગોળમટોળ અને સ્થૂળ શરીર ધરાવતો હતો. આ કારણે તેને મેદાન પર ચીકુ કહેવામાં આવતો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાના મેન્ટલ અને કન્ડિશનિંગ કોચ રહેલા શંકર બાસુએ વિરાટને એવી રીતે ટ્રેનિંગ આપી કે આજે તે દુનિયાનો સૌથી ફિટ ખેલાડી બની ગયો છે. શંકર બાસુએ વિરાટના આહાર અને વર્કઆઉટને સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. શંકર બાસુએ માત્ર ટીમ ઈન્ડિયામાં જ નહીં, વિરાટ કોહલી સાથે આરસીબીમાં કામ કર્યું હતું. આના પરિણામે એકવાર તેની ફિટનેસ શાનદાર ફિટનેસ થવાની સાથે જે તેની રમતમાં પણ જોરદાર સુધારો આવી ગયો હતો.

અનુષ્કા શર્મા બની વિરાટની બેકબોન
વિરાટ કોહલીની ઓળખ ક્રિકેટના મેદાન પર આક્રમક અને ગુસ્સાવાળા ખેલાડી તરીકે થતી રહી છે. શરૂઆતના સમયમાં વિરાટ મેદાન પર ખૂબ જ ગાળો બોલતો હતો. તે વિરોધી ખેલાડીઓ સાથે વિનાકારણે ઝઘડો કરવામાં પણ અચકાતો ન હતો, પરંતુ અનુષ્કા શર્મા તેના જીવનમાં આવી અને ધીમે ધીમે બધુ બદલાતુ ગયુ. અને 2017માં અનુષ્કા શર્મા સાથેના લગ્ન પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. અનુષ્કાએ વિરાટ કોહલીને મેદાન પર શાંત રહેવાનું શીખવ્યું એટલું જ નહીં પરંતુ તે મુશ્કેલ સમયમાં પણ તેની સાથે રહી. ખાસ કરીને જ્યારે કોવિડ-19 પછી વિરાટ કોહલીનું ફોર્મ નીચું ગયું અને તે ડિપ્રેશનનો અનુભવ કરવા લાગ્યો. તે દરમિયાન અનુષ્કા તેની સાથે રહી હતી. આ જ કારણ છે કે વિરાટ કોહલીએ પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં પોતાની સફળતાનું શ્રેય અનુષ્કા શર્માને આપ્યું છે.

Most Popular

To Top