Vadodara

પલાસવાડામાં એક સાથે પ મકાનોના તાળા તૂટ્યા, રૂા.પ.૩૩ લાખની ચોરીથી ફફડાટ

વડોદરા-ડભોઇ: વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના પલાસવાડા ગામમાં પાંચ મકાનોના તાળાં તોડી સોના- ચાંદીના ઘરેણાં અને રોકડ મળી  રૂપિયા 5.33 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ છે. શનિ-રવિવારની રજામાં બહાર હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરતા સ્થાનિક પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના પ્રથમ બનાવમાં પલાસવાડા ગામના ભ્રમણ ફળિયામાં રહેતા ચંદુભાઇ બાબુભાઇ પટેલ ખેતી કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે દીકરી અને એક પુત્ર થઇ ત્રણ સંતાનો છે. પુત્ર વવાઘોડિયા રોડ પર રહેતો હોવાથી ચંદુભાઈ અને તેમના પત્ની મંજુલાબહેન તા.11 સપ્ટેમ્બરના રોજ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર નિરાંત રેસિડેન્સીમાં રહેતા પુત્ર હિતેષભાઇના ઘરે આવ્યા હતા. દરમિયાન બીજા દિવસે સવારે તેમના પાડોશીએ ઘરના તાળાં તૂટેલા હોવાનું જણાવતા તુરતજ તેઓ પુત્રને લઇ પલાસવાડાના મકાન પર આવી પહોંચ્યા હતા.

પલાસવાડા પહોંચ્યા બાદ ઘરમાં તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર હતો. તિજોરીમાં વધુ તપાસ કરતા તેમાંથી સવા તોલાની સોનાની ચેઇન, અડધા તોલાની સોનાની બે બુટ્ટી, અઢી તોલાની સોનાની જળ માળા, ચાર સોનાની વીંટી, ચાંદીના 15 સિક્કા તેમજ રોકડ રૂપિયા 97,000 જણાયા ન હતા. દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને કરતા તુરતજ પોલીસ  દોડી આવી હતી.  ચંદુભાઇ પટેલે પોલીસની પૂછપરછમાં તસ્કરો રૂપિયા રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. 3,37,250નો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત તસ્કરોએ ચંદુભાઇ પટેલના મકાન ઉપરાંત પાડોશી ચિમનભાઇ મણીભાઇ પટેલના બંધ મકાનના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને રોકડ રૂ. 8000ની મતા ચોરી કરી ગયા હતા. જયારે અન્ય પડોશી અતુલભાઇ પટેલના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓના મકાનમાંથી તસ્કરોને કંઇ હાથ લાગ્યું ન હતું. પોલીસે ચંદુભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ચોરીના બીજા બનાવમાં પલાસવાડા ગામમાંજ રહેતા પારૂલબહેન મહેન્દ્રભાઇ મહંતના મકાનને તાં,11 સપ્ટેમ્બરની રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

પારૂલબહેન વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરેલા ભાઈને જોવા અને સાર સભર રાખવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે સવારે ઘરે જતા હતા. તે સમયે તેઓને તેમના ભાભીએ ફોન કરીને મકાનના તાળાં તૂટેલા હોવાનું જણાવ્યું હતું. હાંફળા-ફાંફડા ઘરે પહોંચેલા પારૂલબહેને ઘરે જઇ તપાસ કરતા તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 43 હજાર મળી કુલ્લે રૂપિયા 1.88,250 નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ સાથે તસ્કરોએ તેમના ઘરની નજીકમાં રહેતા હરેશભાઇ બુધ્ધીસાગર પટેલના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.જોકે, તેઓના મકાનમાંથી તસ્કરોને કંઇ હાથ લાગ્યું ન હતું. પોલીસે ચંદુભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોકડ અને ઘરેણાં મળી રૂા.2.32 લાખની ચોરી કરી તસ્કરો પલાયન

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મહિનગર ગાયત્રી સ્કૂલ સામે રહેતા અને મંગલ બજારમાં પથારો કરી કપડાંનું વેચાણ કરતા દંપતી 2 દિવસ માટે પુત્રના ઘરે રહેવા જતા બંધ મકાનમાંથી રોકડ અને ઘરેણાં મળી રૂ. 2.32 લાખની ચોરી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રીની મહિનગર ગાયત્રી સ્કૂલ સામે રહેતા વાલજીભાઈ કરશનભાઇ સાવરીયા પુત્ર સાથે મંગળ બજાર વિસ્તારમાં પથારો નાખી કુર્તી લેંઘીસનો વેપાર કરે છે. ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ તેઓ પત્ની સાથે ચાપાનેર ગેટ પાસે મહેતા પોળમાં રહેતા પુત્ર મહેશના ઘરે ગયા હતા અને ત્યાં જ રાત્રી રોકાણ કર્યું હતું.

દરમિયાન બીજા દિવસે નજીકમાં જ રહેતા સંબંધીએ ફોન કરી વાલજીભાઈને જણાવ્યું હતું કે, તમારા મકાનના દરવાજાનું તાળું તૂટેલુ છે.  જેથી તેઓ પુત્ર અને પત્ની સાથે તાત્કાલિક ધોરણે તેમના મકાને પહોંચ્યા હતા. ત્યારે મકાનના મુખ્ય દરવાજાને લગાવેલ લોક અને નકુચો તૂટેલો જોવા મળ્યો હતો.  દરમિયાન તિજોરીમાં મુકેલ સામાન અને ઘરનો અન્ય સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો ઘરનો સામાન વેરવિખેર કરી તિજોરીમાંથી સોનાની સાંકડી વાળા સોનાના કાપ, સોનાની કડી,  સોનાની વિટી, સોનાની જડ, ચાંદીના છડા ,ચાંદીનો ઝૂડો ,ચાંદીના સિક્કા ચાંદીનો દોરો અને રોકડ 50 હજાર મળી કુલ 2.32 લાખની મતા ચોરી નાસી છૂટયા હતા.

Most Popular

To Top