JAMNAGAR : જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં સગાવાદ ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પાંચ પૂર્વ મેયરો ( EX MAYOR) નવી નીતિના કારણે આઉટ થઇ ગયા છે, જ્યારે 18 નગરસેવકોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, કુલ 46 નવા ચહેરાને તક મળી છે તો વોર્ડ નં. 2,9 અને 10માં કાર્યકરોમાં ભારે નારાજગી પ્રવર્તી છે. આ કાર્યકરોએ ભાજપ (BHAJAP) કાર્યાલયે આવીને જોરદાર રજૂઆત કરી છે.
જુના રિપીટ થયેલા ઉમેદવારોમાં વોર્ડ નં. 1માં ઉમરભાઇ ચમડીયા અને હુસેનાબેન સંઘાર, વોર્ડ નં. 2માં ડીમ્પલ રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં. 3માં અલ્કાબા જાડેજા, સુભાષ જોશી, વોર્ડ નં. 4માં જડીબેન સરવૈયા, કેશુભાઇ માડમ, વોર્ડ નં. 5માં બીનાબેન કોઠારી, કિશનભાઇ માડમ, વોર્ડ નં. 6માં રમાબેન ચાવડા, વોર્ડ નં. 7માં અરવિંદભાઇ સભાયા, વોર્ડ નં. 8માં દિવ્યેશ અકબરી, વોર્ડ નં. 9માં કુસુમબેન પંડયા, વોર્ડ નં. 10માં ક્રિષ્નાબેન સોઢા, વોર્ડ નં. 11માં ધર્મરાજસિંહ જાડેજા, વોર્ડ નં. 12માં કેતન નાખવા, વોર્ડ નં. 14માં મનિષ કટારીયા અને લીલાબેન ભદ્રા સહિત કુલ 18 કોર્પોરેટરને રિપીટ કરાયા છે.
ભાજપે જે સગાઓને ટિકિટ આપી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તે ઉમેદવારોમાં વોર્ડ નં. 2માં આલાભાઇ રબારીના પરિવારના દીશાબેન ભારાઇ, વોર્ડનં. 6માં જાંજીબેન ડેરના પતિ ભાયાભાઇ ડેર, વોર્ડ નં. 7માં મેરામણ ભાટુના બહેન લાભુબેન બંધીયા, વોર્ડ નં. 8માં યોગેશ કણઝારીયાના પત્ની સોનલ કણઝારીયા, વોર્ડ નં. 10માં નટુભાઇ રાઠોડના પત્ની આશાબેન રાઠોડ અને પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવાના પુત્ર પાર્થ જેઠવા, વોર્ડ નં. 11માં જસરાજ પરમારના પુત્ર તપન પરમારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વોર્ડ નં. 9માં ફરીથી ભરત મહેતાને કાપીને ફરીથી નિલેશ કગથરાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે શિક્ષણ સમિતીના ચેરમેન આકાશભાઇ બારડના બહેન ધર્મીનાબેન સોઢાને આ જ વોર્ડમાં ટિકિટ અપાઈ છે, વોર્ડ નં. 3માં ભાજપે પહેલા ભુલથી આશિષ કંટારીયાનું નામ જાહેર કર્યુ હતું પરંતુ તાત્કાલીક અસરથી આ નામ સુધારીને સુભાષ જોશીનું નામ જાહેર કર્યું છે. ડીમ્પલ રાવલને વોર્ડ નં. 5માંથી વોર્ડ નં. 2માં જયારે કિશન માડમને વોર્ડ નં. 2માંથી વોર્ડ નં. 5માં અને ધર્મરાજસિંહ જાડેજાને વોર્ડ નં. 5માંથી વોર્ડ નં. 11માં ટિકિટ ફાળવવામાં આવી છે. વોર્ડ નં. 16માં પૂર્વ નગરસેવક ગીતાબા મહાવીરસિંહ જાડેજાને ટિકિટ મળી છે.
બોક્ષ—
આ પાંચ પૂર્વ મેટરોનું પત્તુ કપાયું
ભાજપે જાહેર કરેલી યાદીમાં પાંચ પૂર્વ મેયરો રાજુભાઇ શેઠ, હસમુખ જેઠવા, કનકસિંહ જાડેજા, દિનેશભાઇ પટેલ અને પ્રતિભાબેન કનખરાને ટિકિટ આપવામાં આવી નથી, જ્યારે પૂર્વ ડે. મેયર ભરત મહેતા અને કરશન કરમુરને પણ કાપવામાં આવ્યા છે, હાલમાં શહેરના ભાજપના મહામંત્રી ગોપાલ સોરઠીયાને વોર્ડ નં. 7માં ટિકિટ આપવામાં આવી છે, આમ મોટા માથાઓને રિપીટ કરાયા નથી. પૂર્વ ચેરમેનો કમલાસિંહ રાજપુત, મનિષ કનખરા, દિનેશ ગજરા, મેરામણ ભાટુને પણ આ વર્ષે ટિકિટ આપવામાં આવી નથી જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચારને ટિકિટ અપાઈ છે. આમ ભાજપમાં દિગ્ગજ નેતાઓ આઉટ થઇ ગયા છે જ્યારે 18ને રિપીટ કરવામાં આવ્યા છે.
બોક્ષ—
પૂર્વ ડે. મેયર કરશન કરમુરએ રાજીનામું આપ્યું
જામનગર મનપમાં છેલ્લે 5 ટર્મથી ચૂંટાતા પૂર્વ ડે. મેયર કરશન કરમુર ભાજપના નવા નિયમોનો ભોગ બન્યા છે. જેથી તેઓ ખૂબ જ નારાજ થયા હતા અને ભાજપ કાર્યાલય પર બઘડાટી બોલાવી હતી. તેઓએ અનેક દલીલો કરી હતી અને શહેર પ્રમુખને પોતાનું રાજીનામુ આપ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યના મણત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેઓની હાજરીમાં જ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. આજે જાહેર થયેલી ઉમેદવારની યાદીમાં જામનગરના અન્ય 9 સિનિયરો નેતાઓના પત્તા પણ કપાયા છે.