Columns

માછીમાર અને બિઝનેસમેન

એક દરિયાકિનારે એક સફળ બિઝનેસમેન વેકેશન માટે આવ્યા હતા અને સવારના નાસ્તા બાદ દરિયાકિનારે લટાર મારી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક યુવાન માછીમાર પોતાની નાનકડી નાવ કિનારા પર બરાબર લાંગરી, બે તાજી મોટી માછલી હાથમાં લઇ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તેની જોડે વાત કરવા માટે બિઝનેસમેને માછીમારને કહ્યું, ‘વાહ, બહુ સરસ તાજી મોટી માછલીઓ પકડી છે.કેટલો સમય લાગ્યો આ માછલી પકડતાં?’ યુવાન માછીમારે ઉત્સાહથી કહ્યું, ‘આજે તો રોજ કરતાં થોડી વધુ વાર લાગી, પણ બહુ વાર લાગી નથી.હવે ઘરે જઈશ.’

બિઝનેસમેને તેને પૂછ્યું, ‘હજી તો દિવસની શરૂઆત થઇ છે.તું વધારે વાર સમુદ્રમાં રહી વધારે માછલી કેમ નથી પકડતો.’ યુવાન માછીમારે કહ્યું, ‘મારા કુટુંબની આજની જરૂરિયાત પ્રમાણે બે માછલી આજે પૂરતી છે.’ બિઝનેસમેને કહ્યું, ‘તો પછી હવે તું બાકીનો આખો દિવસ શું કરીશ?’ યુવાને કહ્યું, ‘આ માછલી લઈને ઘરે જઈશ.એક પત્નીને આપીશ.એક વેચી નાખીશ.પત્નીના હાથનું સરસ જમવાનું જમીશ.આરામથી સૂઈ જઈશ અને સાંજે મિત્રો સાથે ગામમાં ફરીશ.થોડો વાઈન પીશ અને મસ્તી મજા કરીશ.’ બિઝનેસમેને કહ્યું, ‘આમ આખો દિવસ વેડફી ન નંખાય.

તું ખોટું કરી રહ્યો છે. તારે વધારે મહેનત કરી વધારે માછલીઓ પકડવી જોઈએ.તેને વેચી વધારે પૈસા કમાઈને મોટી બોટ લેવી જોઈએ.હજુ દૂર દરિયામાં જઈને વધુ માછલીઓ પકડવી જોઈએ.વધુ પૈસા કમાઈને ઘણી બધી મોટી બોટ લઇ આ વિભાગમાં તારે જ માછીમારી કરવી જોઈએ.’ યુવાન માછીમારે પૂછ્યું, ‘આ બધું કેટલા સમયમાં થશે?’ બિઝનેસમેને કહ્યું, ‘લગભગ ૨૦ વર્ષ લાગે અને નસીબ સાથ આપે તો બે વર્ષ વહેલું પણ થાય.’ યુવાન બોલ્યો, ’૨૦ વર્ષ પછી શું?’ બિઝનેસમેનને થયું, યુવાનને મારી વાતોમાં રસ પડ્યો છે.

તેને ઉત્સાહથી આગળ સમજાવતાં કહ્યું, ‘ધીમે ધીમે મોટી કંપની થતાં તેના શેર બહાર પાડવા જોઈએ અને લોકો તારી કંપનીના શેર ખરીદી લેશે અને તું એકદમ પૈસાદાર થઇ જઈશ.’ યુવાન માછીમારે પૂછ્યું, ‘પછી શું?’ બિઝનેસમેને કહ્યું, ‘પછી શું? પછી બસ શાંતિ જ શાંતિ અને આનંદ જ આનંદ…જ્યાં ગમે ત્યાં નાનો બંગલો બાંધી રહેવું ; ગમે ત્યારે ગમ્મત ખાતર કે તાજી ખાવા એક કે બે માછલીઓ પકડવી. પત્ની સાથે તાજી માછલી બનાવીને જમવું.બપોરે આરામ કરવો.સાંજે જે ગમે તે કરવું જ્યાં જવું હોય ત્યાં ફરવા જવું,દોસ્તોને મળવું,વાઈન પીવો.મજા કરવી કોઈ ચિંતા જ નહિ.’ યુવાન માછીમાર હસ્યો અને બોલ્યો, ‘આ બધી મજા તો હું આજે જ કરી રહ્યો છું. તેને માટે મારે ૨૫ વર્ષ સતત દોડવાની જરૂર નથી. હું ઓછી જરૂરિયાત અને મનની મોજ મસ્તીમાં આજે જ ખુશ છું.’ તે હાથમાં બે માછલી લઇ ગીત ગાતો ઘર તરફ આગળ વધી ગયો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top