વડોદરા : વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું બ્યુટિફિકેશનનું કામ જળચર જીવો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. ત્યારે વધુ એક વખત માછલીઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. જ્યારે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ તાત્કાલિક ધોરણે સુરસાગર તળાવમાં વરસાદી ચેનલ થકી ડ્રેનેજના પાણી છોડવામાં આવે છે. તે બંધ કરી તજજ્ઞોની સલાહ મુજબ પાણીના નમૂના લઈ ટ્રીટમેન્ટનું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા સુરસાગર તળાવમાં એક તરફ શિવજીની મૂર્તિને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ બ્યુટીફીકેશનનું કામ કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન ઓક્સિજનના અભાવે કે અન્ય કોઇ કારણસર જળચર જીવો મરી રહ્યા છે. અગાઉ સુરસાગર તળાવમાં પાંચ કાચબાના મૃત્યુ થયા હતા. જેના પોસ્ટમોર્ટમ
દરમિયાન કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. ત્યારબાદ વારંવાર માછલીઓના મૃત્યુના બનાવો બની રહ્યા છે. ત્યારે ફરી એકવાર તળાવના કિનારે માછલીઓના મૃતદેહ નજરે પડતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ સાથે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી.કોર્પોરેશનનું તંત્ર સત્વરે નહીં જાગે તો રહ્યા સહ્યા જળચર જીવો પણ મૃત્યુ પામે તેવી દહેશત જીવદયા પ્રેમીઓ સેવી રહ્યા છે.
જ્યારે બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું કે સુરસાગરમાં સેંકડો માછલીઓ મૃત્યુ પામી છે અને અગાઉ આવી જ રીતે કાચબા ૫ણ મરણ પામ્યા હતા. આ એક ચેતવણી છે અને 25 વર્ષના ભ્રષ્ટ અને અણઘડ શાસનનો નમુનો છે.સુરસાગર તળાવ પાછળ 35 કરોડ જેવી માતબર રકમનો ખર્ચ કર્યા પછી મરેલા માણસને શણગાર્યો હોય તેવી પરિસ્થિતી સુરસાગર તળાવની છે અને અન્ય તળાવોની ૫ણ આવીજ હાલત છે.દર વર્ષે તળાવોની સફાઇ પાછળ કરોડો રુપીયા ખર્ચો થાય છે વાર્ષિક ઇજારા આપ્યા છે. એક૫ણ ટોયલેટનુ પાણી કોઇ૫ણ વોટર બોડીમાં નહી જવુ જોઇએ તેવા બણગાં ફુકવામાં આવે છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે તમામ તળાવો ડ્રેનેજના પાણીથી ભરેલા છે.
આરસીસી પાળામાં ભ્રષ્ટાચાર માટે પર્યાવરણ વિદોની સલાહ વિરૂદ્ધ આરસીસીના પાળા કરી અને સલાહની અવગણના કરી અને જે સત્તાના જોરે ખોટા નિર્ણય લીઘા તેના માટે કોર્પોરેશન અને વડોદરાના નાગરીકો અને તળાવોની જીવસૃષ્ટીને
વર્ષો વર્ષ ભોગવવું પડશે અને પર્યાવરણનુ ખૂબ મોટુ નુકશાન થયુ છે.તે માટે કોર્પોરેશનનો અકુશળ વહીવટ જવાબદાર છે.આ બાબત તજજ્ઞોની સલાહ લઈ યોગ્ય પગલાં તાત્કાલિક લેવા અમારી માંગણી છે. જો એમ નહી થાય તો અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ જણાવ્યું હતું.