Sports

ટેસ્ટના પહેલા દિવસે બેઝબોલ v/s સ્પીનનો રોમાંચ જોવા મળ્યો: ઈંગ્લેન્ડ ઓલઆઉટ, ભારત 119/1

હૈદરાબાદ(Hydrabad): ઈંગ્લેન્ડ-ભારત વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો (IndiaEnglandTestSeries) આજે હૈદરાબાદથી આરંભ થયો છે. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને જેવી અપેક્ષા હતી તે ભારત-ઈંગ્લેન્ડની આ મેચમાં બેઝબોલ વર્સીસ સ્પીન બોલિંગ (BaseBallVsSpinAttack) એટેકનો જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો.

પહેલાં દિવસે બે જ સેશનમાં ઈંગ્લેન્ડની ટીમ 246 પર ઓલઆઉટ થઈ હતી. માત્ર બે જ સેશનમાં 246 રન ટેસ્ટ મેચના પહેલાં દિવસે બનાવી ઈંગ્લેન્ડે બેઝબોલ સ્ટાઈલ બેટિંગનો પરચો આપી દીધો હતો. જોકે, ભારતીય સ્પીન આક્રમણ પણ જબરદસ્ત રહ્યું હતું. ભારતીય સ્પીનરોએ બે જ સેશનમાં ઈંગ્લેન્ડની આખી ટીમને પેવેલિયન ભેગી કરી પોતાની તાકાત બતાવી દીધી હતી. આ તરફ પહેલી ઈનિંગમાં ભારતે પણ ઝડપી રમત દર્શાવી હતી. દિવસના અંત સુધીમાં ભારતે 1 વિકેટ ગુમાવી 119 રન બનાવ્યા હતા. એક જ સેશનમાં ભારતે ઝડપી 119 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડના ઓપનરોએ દિવસની શરૂઆતથી જ ભારતીય પેસ બોલરો પર હુમલા શરૂ કરી દીધા હતા અને તાબડતોબ રન બનાવવા માંડ્યા હતા, પરંતુ જ્યારે ભારતના સ્પીન ધુરંધરો રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા એક્શનમાં આવ્યા ત્યાર બાદ પિક્ચર બદલાઈ ગયું હતું. અશ્વિને ઈંગ્લેન્ડના ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા. તેમ છતાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ બેઝબોલ સ્ટાઈલમાં તાબડતોબ બેટિંગ ચાલુ રાખી હતી, જેના લીધે ટી-20 રમાતી હોય તેવા દ્રશ્યો ગ્રાઉન્ડ પર જોવા મળ્યા હતા.

ઈંગ્લેન્ડની આખી ટીમ 246 રનના સ્કોર પર ટી બાદ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન બેન સ્ટોક્સે બનાવ્યા હતા. બેન સ્ટોક્સે કેપ્ટનશીપની ઇનિંગ રમી અને 70 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે માત્ર 88 બોલમાં 70 રન બનાવ્યા હતા. જે ઈંગ્લેન્ડની ચર્ચિત બેઝબોલ સ્ટાઈલ બેટિંગને વર્ણવે છે. વિકેટ પડતી હોવા છતાં સ્ટોક્સે ઝડપી રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.

અશ્વિને સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
અશ્વિન WTC ઈતિહાસમાં ભારત માટે માત્ર સૌથી વધુ વિકેટ લેનાર બોલર નથી, તે 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય પણ બન્યો છે. અત્યાર સુધી દુનિયામાં માત્ર બે જ બોલર હતા જેમણે આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ત્રીજી સાઈકલ રમાઈ રહી છે અને અત્યાર સુધી માત્ર ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ અને સ્પિનર નાથન લિયોને 150 કે તેથી વધુ વિકેટ લીધી હતી, પરંતુ હવે આ યાદીમાં આર. અશ્વિનનું ત્રીજું નામ જોડાઈ ગયું છે. તેણે ઈંગ્લેન્ડ સામે બે વિકેટ લેતા જ આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

અશ્વિન માત્ર તેની 31મી મેચમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 150 વિકેટના આંકને સ્પર્શવામાં સફળ થયો, જ્યારે નાથન લિયોન અને પેટ કમિન્સે 169-169 વિકેટ લેવા માટે અનુક્રમે 41 અને 40 મેચ રમી છે. અશ્વિનને વિદેશ પ્રવાસમાં ઓછી તકો મળે છે. આ જ કારણ છે કે તેની વિકેટોની સંખ્યા આ બે દિગ્ગજો કરતા ઓછી છે. જો અશ્વિન વિદેશ પ્રવાસ પર રમવાનું શરૂ કરે તો તે તેમના કરતા આગળ નીકળી જશે. જો કે હાલમાં ત્રણેય ખેલાડીઓ પોત પોતાના દેશો માટે WTC મેચ રમી રહ્યા છે.

જયસ્વાલની ફાસ્ટ ફિફ્ટી
ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટના જવાબમાં ભારતીય બેટ્સમેનોએ પણ ઝડપી રમત દાખવી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે માત્ર 47 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી અડધી સદી હતી. યશસ્વીએ તોફાની બેટિંગ કરી. રોહિત તેને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી રહ્યો હતો, પરંતુ તે લાંબો સાથ આપી શક્યો નહોતો.

ભારતની પહેલી વિકેટ 80 પર પડી
ભારતને પહેલો ફટકો 80ના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ મોટા શોટનો પ્રયાસ કરતા પોતાની વિકેટ ગુમાવી હતી. તે સ્ટોક્સના હાથે જેક લીચના હાથે કેચ થયો હતો. તે 27 બોલમાં 24 રન બનાવી શક્યો હતો. યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ કરી હતી. તે અડધી સદી ફટકારીને ક્રિઝ પર છે. દિવસના અંતે ભારતનો સ્કોર 119/1 થયો છે. ભારતે વન ડે સ્ટાઈલમાં માત્ર 23 ઓવરમાં એક જ સેશનમાં 119 રન બનાવ્યા છે. જયસ્વાલ 76 અને ગિલ 24 રન પર રમી રહ્યાં છે.

Most Popular

To Top