સુરતઃ (Surat) સ્વચ્છ પર્યાવરણની નેમ સાથે ગુજરાત ગેસ લિમિટેડ (Gujarat Gas Ltd) અને NTPCએ સુરતના NTPC કવાસ ટાઉનશીપમાં રસોઈ માટે સપ્લાય કરવામાં આવનાર પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)માં ગ્રીન હાઈડ્રોજન મિશ્રણની નવી પહેલને પ્રોત્સાહન આપવા માટે હાથ મિલાવ્યા છે. પીએનજી થકી દેશમાં હાઇડ્રોજન ગેસ વિતરણ કરવાનો આ પ્રથમ પાયલટ પ્રોજેક્ટ સુરતમાં શરૂ થશે. રેસિડેન્શિયલ સેગમેન્ટના ડીકાર્બનાઇઝેશન અને દેશની ઊર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનવા તરફનું આ એક પગલું છે.
ગુજરાત ગેસ લિમિટેડના એમડી સંજીવ કુમાર અને NTPC (REL)ના CEO મોહિત ભાર્ગવની ઉપસ્થિતિમાં 5 એપ્રિલ, 2022ના રોજ બે કંપની વચ્ચે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સુરતના હજીરા પાસે એનટીપીસી કવાસના 1 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનો ઉપયોગ કરી પાણીના ઈલેક્ટ્રોલિસીસની પ્રક્રિયા દ્વારા ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવામાં આવશે. તેને પૂર્વ નિર્ધારિત પ્રમાણમાં PNG સાથે ભેળવવામાં આવશે અને તેનો ઉપયોગ NTPC કવાસ ટાઉનશિપમાં રસોઇ કરવા માટે કરવામાં આવશે.
હજીરા ખાતે GGL પાઈપલાઈન નેટવર્કનું NTPC પરિસરમાં વિસ્તરણ કરવામાં આવશે. ત્યારબાદ NTPC ટાઉનશીપના રહેવાસીઓને હાઈડ્રોજન મિશ્રિત ગેસ પૂરો પાડવામાં આવશે. શરૂઆતમાં PNGમાં હાઈડ્રોજન મિશ્રણની ટકાવારી લગભગ 5 ટકા હશે અને તે સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તેમાં વધારો કરવામાં આવશે.
NTPC કવાસના રિઝર્વિયરમાં 56 મેગા વોટનો ગુજરાતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ જુલાઈમાં કમિશન્ડ થશે
સુરત: NTPC કવાસ દ્વારા એક મેગા વોટનો ફ્લોટિંગ પાવર પ્લાન્ટ પાયલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યા પછી હવે ગુજરાતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટ કમિશન્ડ કરાશે. NTPC કવાસ ખાતેના રિઝર્વિયરમાં ગુજરાતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ જુલાઈમાં કમિશન્ડ થશે. 56 મેગા વોટના ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટમાં 25 મેગા વોટનો ફ્લોટિંગ જુલાઈમાં અને બાકીનો ગ્રાઉન્ડ માઉન્ટેડ 2 મહિનામાં કમિશન્ડ થશે. કંપની દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ રિઝર્વ વિયરમાં કરવામાં આવે છે. ત્યાં ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત વડાપ્રધાનની જાહેરાત મુજબ ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ કવાસમાં સ્થાપવા શક્યતા ચકાસવામાં આવી રહી છે. નાણાકીય વર્ષના અંતે NTPC કવાસના મહાપ્રબંધક કુલવિંદર સિંઘે જણાવ્યું હતું કે, કંપનીનું લક્ષ્ય 2932 સુધી 1,30,000 મેગા વોટ વીજળી હાંસલ કરવાનો છે. કંપનીની અત્યારે કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 68,567.18 મેગા વોટ છે. 25 NTPCનાં સ્ટેશન છે.