Comments

પહેલાં ગ્રામ પંચાયત ચૂંટણીનાં પરિણામો જુઓ, પછી જુઓ, સરકાર પાસે કયાં તીર છે

Gujarat gram panchayat elections on December 27 | India News,The Indian  Express

ભારતીય જનતા પક્ષ એટલું તો જરૂર કહી શકાય કે તે ચૂંટણી જીતવા બાબતે જરા પણ ગાફેલ નથી રહેતો. ફકત લોકસભા કે વિધાનસભાની ચૂંટણી જ નહીં, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા પણ પૂરો પ્રયત્ન કરે છે. મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ પણ તેમણે વ્યૂહાત્મક સક્રિયતા ખાસ બનાવી છે. ગ્રાસરુટ લેવલે તેમણે શાસન સ્થાપવું છે અને સ્થપાયેલું શાસન સતત રહે એ માટે પ્રયત્નશીલ રહેવું છે. આ પ્રકારે કોંગ્રેસને આવડયું નથી. આઝાદીથી ૧૯૭૦ સુધી તો દેશમાં ઘણે ઠેકાણે પક્ષ એટલે કોંગ્રેસ પક્ષ એવો માહોલ હતો, પણ તે નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, ઇંદિરાએ ઊભો કરેલો નહોતો. આઝાદીની લડતમાં કોંગ્રેસે જે રીતે નેતૃત્વ કરેલું તેનું પરિણામ હતું. કોંગ્રેસ જોતજોતામાં પોતાને સ્વાભાવિક શાસક માનવા લાગી અને જોતજાતામાં પતન નોતરી લીધું.

સુરત જિલ્લાની ૪૦૯ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે છે. આ ચૂંટણીમાં ૯.૧૩ લાખ મતદાતાઓ છે અને ૯૪૩ મતદાન મથકો છે. રાજય સરકાર તો જો કે સમગ્ર રાજયની ૧૪,૦૧૭ ની ગ્રામ પંચાયતો જીતવા વિશે વિચારતી હશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકમતને પારખવા માટે આ ચૂંટણી ખૂબ અગત્યની છે. ગુજરાતમાં ૧૮,૫૮૪ ગામડાંઓ છે અને તેમાંની ૧૦,૨૦૦ પંચાયતોની મુદત આ મહિનો પૂરો થતાં પૂરી થઇ રહી છે.

આ ચૂંટણી જીતવા કોંગ્રેસથી માંડી અન્ય કોઇ પક્ષો સક્રિય હોય એવું જણાયું નથી. ગામડાંની ચૂંટણી વિધાનસભા કે લોકસભાની રીતે લડાતી નથી. દરેક ગામના મુદ્દાઓ જુદા હોય છે, પ્રશ્નો જુદા હોય છે એટલે જ જાણીતા રાજકીય નેતાઓ તેના પ્રચારમાં પડતા નથી. પણ એક વાત પાકી હોય છે કે રાજય સરકારે ગામડાંના પ્રશ્નો ઉકેલવામાં જે માળખાગત ફેરફારો કર્યા હોય તે મહત્ત્વનું છે. ખેડૂતોના પ્રશ્નો, પિયત ખેતી માટે પાણીની સુવિધા, તલાટી વડે થતાં કામોમાં સરળતા ને પારદર્શિતા તેમ જ અનાજનાં બજારો, સુગર ફેકટરીઓના યોગ્ય વહીવટ સહિતની બાબતો તેમાં મુખ્ય બનતી હોય છે. ખેડૂતોને મળતી લોનના પ્રશ્નો પણ મોટા છે.

ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શું હમણાં જ શમેલું ખેડૂત આંદોલન મુદ્દો બનશે? ગુજરાતના ખેડૂતો એ આંદોલનોમાં સીધા સક્રિય ન હતા, પણ કેન્દ્ર સરકારનું ખેડૂતો માટેનું વલણ કેવું છે તે સહુ જાણી ચૂકયા છે તો તે મતદાનમાં જણાશે? ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો પર નજર રાખજો. સારા કે ખરાબ પરિણામ વેળા સરકાર કાંઇ ગાઇ-વગાડી પ્રતિક્રિયા નથી આપતી, છતાં તેઓ તેને સાવધાની જોશે જરૂર. ગુજરાતનાં ગામડાં હવે મોટા પરિવર્તન તરફ છે.

પણ અમુક ગામડાંઓ હજુ પણ બદલાતાં નથી. સમૃધ્ધ શહેર નજીકનાં ગામડાં પ્રમાણમાં સમૃધ્ધ હોય છે કારણ કે તેઓનું અર્થકારણ શહેરનો ભાગ બની ગયું હોય છે. પણ ગુજરાતમાં સમૃધ્ધ શહેરો કેટલાં? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત વિચારો તો દૃશ્ય કાંઇક જૂદું વર્તાશે. શહેરી ઉદ્યોગોના કારણે ગામડાંઓ પ્રદૂષણથી માંડી અસલામતીથી પીડાઇ રહ્યાં છે. તેમની જમીનો છીનવાઇ રહી છે. ગામડાંઓને નેતૃત્વ બક્ષવાની શકિત જરા ગુંચવાડાભરી છે. ભાજપ તેમાં કેટલું અસરકારક છે તે માટે થોડી રાહ જુઓ.

ગુજરાત સરકારને જો કે અત્યારે મોટી ચિંતા વાઇબ્રન્ટ સમિટ – ૨૦૨૨ ની છે. એમિક્રોનના કેસોની સંખ્યા વધી રહી છે તે જોતાં સરકારે જે ૨૮ દેશોને નિમંત્રણ પાઠવ્યાં છે તેમાંથી કેટલાં આવશે તે ખબર નથી પડતી. અત્યારે તો ફકત નેધરલેન્ડ, ઇઝરાઇલ, ડેન્માર્ક, સ્વિડન, યુ.કે.,  પોલાન્ડ, ફ્રાન્સ અને ફિનલેન્ડે જ આવવાની તૈયારી બતાવી છે. જો ૨૮ ના બદલે ૮-૧૦ દેશો જ આવવાના હોય તો આ સમિટની હવા નીકળી જશે. એમિક્રોનનો મામલો એવો છે કે કોઇ દેશ પર દબાણ ન થઇ શકે.

હમણાં સુરતમાં જ સરકારે હુનર હાટ યોજયો, જેમાં રોજ બેસુમાર મેદની ઉમટી. સરકારનું પોતાનું આયોજન હોય એટલે આ મેદની વિશે ચૂપ છે. રોજ અનેક કળાકારોને બોલાવી ભીડ વધારે તો પણ ચૂપ છે. વાઇબ્રન્ટ સમિટ યોજવા ઇચ્છતી સરકાર જો આટલી બેપરવાહ હોય તો તેણે વધુ આશા રાખવી ન જોઇએ. સમિટમાં તો અન્ય દેશોના પ્રતિનિધિ આવતા હોય ત્યારે તો આ સાવધાની વધવી જોઇએ. સરકાર શું કરશે? તેઓ પોતાને નિષ્ફળ જાહેર થવા દેવા માંગતા નથી એટલે મુશ્કેલી વધારે છે.

બાકી હમણાં ગુજરાતમાં રાજકીય ચહલપહલ એ પ્રકારની છે કે જેની જાહેર ચર્ચા થતી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડી દરેક મંત્રીઓ કોઇ તૈયારીમાં હોય એવું વર્તાય છે, પણ ગુજરાતભરમાં દોડાદોડી થતી નથી. ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલ પણ અત્યારે કાંઇક સંયત જણાય છે. ભાજપમાં હંમેશા તોફાન પહેલાંની શાંતિનો સમય વારંવાર આવે છે. એટલે રાહ જુઓ. ગુજરાતમાં રાજકીય ચહલપહલ એ કારણે પણ મંદ પડી છે કે વિપક્ષો માંદા છે. કોંગ્રેસે નવા પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટી કાઢયા ને તેઓએ ગરજી લીધું, પણ હવે શું?  વિધાનસભા પૂર્વે જો આ દશા હોય તો ખરેખર શું બનશે? ગુજરાત ભાજપને નચિંત બનાવનાર વિપક્ષ હોય તો કાંઇ કહેવાનું રહેતું નથી.         
– બ.ટે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top