ભરૂચ(Bharuch) : ભરૂચના હાંસોટ પોલીસ સ્ટેશનમાં આજે તા. 18 માર્ચના રોજ વિચિત્ર બનાવ બન્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતા રિવોલ્વર જમા કરાવવા પોલીસ સ્ટેશને પહોંચેલા સુરતના યુવકની રિવોલ્વરમાંથી ધડાધડ ગોળીઓ છૂટી હતી. બંદૂકમાંથી ગોળી કાઢતી વખતે જ ફાયરીંગ થઈ ગયું હતું. આ અણધાર્યા ફાયરીંગમાં બે જણાને ગોળી વાગી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- આચારસંહિતા લાગુ પડતા સુરતનો યુવક રિવોલ્વર જમા કરાવવા હાંસોટ પોલીસ મથકે ગયો હતો
- રિવોલ્વરની અંદર ફસાયેલી કારતૂસ કાઢવા જતાં અચાનક ફાયરિંગ થયું
- સ્વરક્ષણની રિવોલ્વર જમા કરાવવા જતા ફસાયેલી ગોળી વાગતા બે ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, તબિયત સ્થિર
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ હાંસોટ રાજલાલાના ચકલામાં અને હાલ સુરતના પાલનપુર પાટીયા પાસે રહેતા પરેશકુમાર ચોકસીએ પોતાના સ્વરક્ષણ માટે રિવોલ્વર લાયસન્સ મેળવીને રાખતા હતા. હાલમાં ચુંટણી આચારસંહિતા લઈને રિવોલ્વર સોમવારે 11 વાગ્યાના આસપાસ હાંસોટ પોલીસ મથકે હાંસોટના કલ્પેશભાઈ હસમનભાઈ શેઠ તેમજ દેવેન્દ્રભાઈ ઝીણાભાઈ પટેલ જમા કરવા ગયા હતા.
પોલીસ મથકમાં દેવેન્દ્રભાઈ પટેલ રિવોલ્વરમાં એક કારતુસ ફસાઈ ગયો હોવાથી કાઢવા જતા અચાનક ગોળી બહાર નીકળતા ભડાકો થયો હતો. જેમાં દેવેન્દ્રભાઈને ડાબા હાથે અને ડાબી બાજુ પેટમાં ગોળી વાગી હતી. તેમની સાથે બાજુમાં ઉભેલા કલ્પેશભાઈને પણ જાંઘમાં ગોળી વાગતા લોહીલુહાણ થઇ ગયા હતા.
સમગ્ર ઘટના લઈને બંને ઈજા ગ્રસ્તોને તાબડતોબ હાંસોટની કાકાબા હોસ્પિટલથી વધુ સારવાર અર્થે સુરત ખાતે દાખલ કરાયા હતા.આ લખી રહ્યું છે ત્યારે બંને ઈજાગ્રસ્તો હાલમાં ભાનમાં છે.