આણંદ : દિવાડીના તહેવારમાં ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં દિવાળીમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન જ ફોડી શકાશે તેમ જણાવવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા જરૂરી ગૃહવિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એસ.પટેલે મળેલી સત્તાની રૂએ સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં 4 થી 19 નવેમ્બર (બંને દિવસો સુધ્ધાંત) સુધી ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવેલા છે.
જેમાં મોટા પ્રમાણમાં અવાજવાળા ફટાકડા ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં, હાનિકારણ ધ્વની પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી અને વાપરી શકાશે. જે વેપારીઓએ સુપ્રિમ કોર્ટના 23 ઓક્ટોબરના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.