Charchapatra

આગ અને અકસ્માતો

તાજેતરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો જોઇ શકાય છે. કારખાનાં, દુકાનો, ઓફિસો તથા રહેણાંક વિસ્તારોમાં અવારનવાર આગ લાગે છે. સુરતના તક્ષશીલા આગ કાંડને તો કેમ ભૂલાય? બિચારા વીસ એકવીસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એ આગકાંડમાં ભસ્મીભૂત થઇ ગયાં હતાં. આવી આગથી જાન માલ મિલ્કતોને ના પૂરાય તેટલું નુકસાન થવા પામે છે. ખાસ કરીને વીજ પ્રવાહની શોર્ટ સરકીટથી આગ લાગવાના બનાવો બનતા જોઇ શકાય છે. ઉનાળાની આકરી ગરમીમાં આગ લાગવાના બનાવો ઘણા વધી જાય છે.

રાસાયણિક પ્રક્રિયાવાળા કારખાનાઓમાં જયારે આગ લાગે છે ત્યારે કશું જ બચવા પામતું નથી. હવે તો કાર, બસ કે ખટારાઓમાં તથા ટૂ વ્હીલર વાહનોમાં પણ આગ ભભૂકી ઊઠતી હોય છે. બહુ ઊંચી ઇમારતોમાં જયારે આગ લાગે છે ત્યારે એમાં રહેનારાં લોકોની જિંદગી ભારે જોખમમાં મુકાઇ જતી હોય છે. ગામડાઓમાં પણ ખેડૂતનાં ચાર ભરેલાં ઘરોમાં કયારેક આગ લાગતી હોય છે ત્યારે ઘરમાં બાંધેલાં ઢોર પણ કયારેક  બળીને ભડથું થઇ જતા હોય છે. આગ ના લાગે એ માટે તમામ સ્તરે સતર્કતા તથા સાવચેતી ખૂબ જ જરૂરી છે.

આ જ રીતે રસ્તાઓ ઉપરના અકસ્માતોએ તો માઝા મૂકી છે. અતિશય ઝડપે હંકારાતાં વાહનો અકસ્માત ના નોંતરે તો જ નવાઇ. ખોટા ઓવરટેક અને અતિશય ઝડપ એ બે મુખ્ય કારણો અકસ્માતો નોંતરે છે.આ માટે ગતિનું નિયમન ખૂબ જ જરૂરી છે.વાહન માફકસરની ઝડપે દોડતું હોય અને અકસ્માત થાય તો જીવ બચવાના ચાન્સીસ, થોડા ઘણા પ્રમાણમાં રહેતા હોય છે. અકસ્માત કરનાર વ્યકિતને માટે ભારે સજાની જોગવાઇ હોવી જોઇએ. અકસ્માત કરીને સામેની વ્યકિતને મારી નાંખનાર વ્યકિતને માટે ખૂનની કલમો લગાડીને એને આજીવન કેદ અથવા ફાંસીની સજા જ થવી જોઇએ.
સુરત     – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

લેભાગુ ખાનગી કંપનીઓથી સાવધાન!
તાજેતરમાં એવી જાહેરાતો ખૂબ જ મોટા પ્રમાણમાં રીક્ષાઓની પાછળ લખેલી કે બેનરો લગાડેલાં જોવા મળે છે. તમે બેન્કમાંથી લીધેલી ગોલ્ડ લોનના દસ્તાવેજો અમે બેન્કમાંથી છોડાવી આપીશું અને તમારા ગોલ્ડ બજાર કિંમતથી અમે ખરીદીશું. આવી લોભામણી અને ભ્રમિત કરનારી જાહેરાતોથી ગોલ્ડ લોન લેનાર તમામ ગ્રાહકો સાવધાન રહે. આ ખાનગી કંપનીઓ છેતરવાના ઇરાદાપૂર્વક આવી જાહેરાતો કરતા હોય છે. તમારી સાથે છેતરાવાની કે ધોખાધડી થઇ હોવાની દુર્ઘટના ન થાય તે માટે તમામ લોન ધારકોએ સાવધાન અને જાગૃત રહેવાની જરૂર છે.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top