સુરત : યુએઈના દુબઈમાં (Dubai) રમાયેલી વલ્ડકપ ટી-20ની (T-20 World Cup) સેમિફાઈનલમાં (Semi Final) ઓસ્ટ્રેલિયાએ (Australia) મોટો સ્કોર ચેઈઝ કરી પાકિસ્તાનને (Pakistan) 5 વિકેટના લાંબા માર્જીનથી હરાવી પાકિસ્તાનની ફાઈનલમાં (Final) જવાની અને ટાઈટલ જીતવાની આશાઓ પર પાણી ફેરવી દેતાં આજે મોડી રાત્રે સુરતમાં (Surat) ઠેરઠેર ફટાકડા (Crackers) ફુટયા હતા. ખાસ કરીને વલ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ પછી પાકિસ્તાનની ક્રિકેટરો અને પ્રેક્ષકોએ ખેલદિલી ભુલી કરેલાં લવારાઓનો સુરતીઓએ ફટાકડા ફોડી જડબાતોડ જવાબ આપ્યો હતો. શહેરના પીપલોદ ગૌરવ પથ, પાલ ગૌરવ પથ, ડબગરવાડ, ચૌટાબજાર, બાલાજી રોડ, વાડીફળિયા, નાનપુરા, અડાજણ ગામ, લીમડા ચોક, સહિતના વિસ્તારોમાં પાકિસ્તાનનો કારમો પરાજય થતાં સુરતી ક્રિકેટ રસિકોએ ફટાકડા અને આતશબાજી ફોડી જાણે ઉત્સવ (Celebration) મનાવ્યો હતો.
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિ ફાઈનલમાં પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 176 રનનો સ્કોર ઉભો કર્યો હતો. તેનો પીછો કરી ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવર્સમાં આ સ્કોર પાર પાડતાં શહેરભરમાં ફટાકડા અને આતશબાજીની રમઝટ જોવા મળી હતી. નોકઆઉટ રાઉન્ડમાં જે પ્રકારે ન્યુઝીલેન્ડ સામે ભારત સતત બીજી મેચ હારી જતાં પાકિસ્તાનનો ક્રિકેટર વકાર યુનુસ, શાહિદ આફ્રિદી, યુનુસખાન, ઈન્ઝમામ ઉલ હક, વસીમ અક્રમ સહિતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ જે પ્રકારે ભારતની ક્રિકેટ ટીમ અને ક્રિકેટરો વિશે જે હલકી ટીપ્પણીઓ કરી અને જાણે બે દેશો વચ્ચે લડાઈ ચાલતી હોય તે પ્રકારનો વાણી વિલાસ કરતાં ભારતીય પ્રેક્ષકો નારાજ થયા હતા. અને તેની વળતી પ્રતિક્રિયામાં સુરતીઓ સહિત મોટાભાગના પ્રેક્ષકોએ ફટાકડા ફોડી પાકિસ્તાનની કારમી હાર પર આનંદ વ્યક્ત કર્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને જે પ્રકારે ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરાયો તેનાથી ભારતીય પ્રેક્ષકોમાં ભારે નારાજગીનો માહોલ હતો જેનો પડઘો આજે સેમિફાઈનલમાં પાકિસ્તાનની હાર પછી જોવા મળ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પણ પાકિસ્તાન ભારત સામે જીત્યું ત્યારે નકારાત્મક ટીપ્પણી કરી હતી. ભારત ભલે વલ્ડકપની ફાઈનલ સુધી પહોચી ન શક્યું તેનું ભારતીય પ્રેક્ષકોને ભારોભાર દુ:ખ હતું. પરંતુ પાકિસ્તાન પણ ફાઈનલ સુધી ન પહોંચી શક્યું તેનો વિશેષ આનંદ સુરતીઓએ ઠેરઠેર ફટાકડા ફોડી માણ્યો હતો. સુરતમાં મોડી રાત્રે જાણે ઉત્સવનો માહોલ છવાયો હતો.