ભરૂચ(Bharuch): ભરૂચ નગર પાલિકાની સૌથી મોટી અચરજ પમાડે એવી બેદરકારી સામે આવી રહી છે. હાલમાં ભરૂચ ફાયર બ્રિગેડનું (Fire Brigade) ટેન્કર લગ્ન (Marriage) પ્રસંગમાં દેખાતા ચર્ચાઓ શરૂ થઈ રહી છે. ફાયર બ્રિગેડનું આગ ઓલવવાનું પાણીનું ટેન્કર ખુદ લગ્ન પ્રસંગમાં વાસણ ધોવા પહોંચતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. એટલું જ નહીં ફાયર બ્રિગેડની ગાડી સાયરન વગાડીને સડસડાટ લગ્નમાં પહોંચી ગઈ હતી.
- એક ફાયર મેનને ત્યાં લગ્ન પ્રસંગે આખો સ્ટાફ ફાયર ગાડીમાં ગયા હોવાની માહિતી મળી હતી :SFO ગઢવી
આગ ઓલવવા માટે ઉપયોગમાં લેવાતી ઈમરજન્સી સેવાની ગાડીનો ઉપયોગ લગ્નસરામાં જતા ભારે અચરજ પામ્યા હતા. ફાયર બ્રિગેડ ગાડી લગ્ન પ્રસંગમાં જતા જ સાયરન વગાડવાની ઘટના નજરે નિહાળનારા લોકોને તો એક તબક્કે એમ થતું કે કોઈ હોનારત બની કે શું એ માટે જીવ તાળવે ચોંટી ગયા હતા. ફાયરની ગાડી લગ્ન પ્રસંગે આવતા થોડી રાહત તો થઈ હતી. લગ્ન પ્રસંગમાં ફાયર ટેન્કરના પાણીથી વાસણ ધોવાતા જોવા મળ્યું છે.
ભરૂચ પાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે હું સામાજિક કામે રજા પર હતો. આ બાબતે માહિતી એવી મળી હતી કે એક ફાયર મેનને ત્યાં લગ્નનો પ્રસંગ હોવાથી તમામ સ્ટાફને આમંત્રણ મળ્યું હતું. તમામ એ લગ્નમાં જવાના હોવાથી નજીકમાં ફાયરની ગાડી લઈને ગયા હતા. જો કે સ્ટાફ ઓછો છે. આ બાબતે તપાસ કરાવીશું.