સુરત (Surat): સાયણ ગામ ખાતે સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સિટી બસમાં (Surat City Bus Fire) અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. સાયણ ગામ નજીક મુસાફરો ભરેલી સિટી બસમાં આગ લાગતાની સાથે જ મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટર મુઠ્ઠી વાળીને જીવ બચાવી ભાગ્યા હતા. મુસાફરો જીવ બચાવવા દોડધામ કરી મુકી હતી. કોઈક રાહદારીએ જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
- સાયણ રોડ પર સિટી બસમાં આગ લાગી
- આગ લાગી ત્યારે બસમાં 15 મુસાફરો બેઠાં હતાં
- બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગી
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાયણ ગામ ખાતે આવેલ ડીઆરજીડી સ્કૂલ પાસે સ્ટેશનથી સાયણ તરફ જતી એક સિટી બસમાં અચાનક આગ લાગી હતી. જોકે, આગનો બનાવ બનતાની સાથે બસમાં બેઠેલા મુસાફરો ફટાફટ નીચે ઉતરી જતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા કોસાડ ફાયર સ્ટેશનની બે ગાડીઓ સાથે અધિકારીઓ અને લાશ્કરો ઘટનાસ્થળે દોડી જઈ આગ ઓલવી નાંખી હતી. સ્થળ પર પહોંચેલા ફાયર ઓફિસર તિવારીને આ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, બસમાં કયા કારણોસર આગ લાગી હતી તે બસ મુકીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવર-કંડક્ટર આવે પછી જ ખબર પડે. હાલમાં સિટી બસ આખે આખી બળીને ખાક થઈ ગઈ છે. સિટી બસની નંબર પ્લેટ પણ બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી. પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઉભો કરાયેલો હતો. તેમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો.
બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું તારણ
પ્રાપ્ત માહિતી અનુસાર સાયણ રોડ પર દોડતી બસ નં. GJ BZ 2489માં આજે આગ લાગી હતી. આગ લાગી ત્યારે બસની અંદર 15 જેટલાં મુસાફરો બેઠાં હતાં. બસમાં આગ લાગ્યાની જાણ થતાં જ અફરાતફરી મચી ગઈ હતી. કંડકટર અને ડ્રાઈવર બસ રસ્તા પર અટકાવીને ઉતરીને ભાગી છૂટ્યા હતા, ત્યારે બીજી તરફ મુસાફરો પણ પોતાનો જીવ બચાવવા માટે બસની નીચે ઉતરી ગયા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાની ઘટના બની નથી. બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના લીધે બસમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.