સુરત: આજે લાભપાંચમના દિવસે શહેરમાંથી (Surat) આગનો બીજો બનાવ સામે આવ્યો છે. આજે શનિવારે સવારે 9 કલાકે કતારગામના હીરાના કારખાનામાં આગ લાગી હતી. જેમાં લાખોનું નુકસાન થયું છે. આ સાથે એક વ્યક્તિ સામાન્ય દાઝી (Burned) ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે મુગલીસરા અને કતારગામની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગને કાબુમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ કતારગામ મહેતા પેટ્રોલ પંપ નજીકના ડાયમંડના એક કારખાનામાં શનિવારે સવારે 9 વાગ્યે આગ લાગી ગઇ હતી. તપાસમાં ડાયમંડના કારખાનામાં લાગેલી આ આગ પાછળ હીરા બોઇલ પ્રોસેસ મશીન જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિ હાથના ભાગે દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના કતારગામની હતી જ્યાં ચારેતરફ અફરા તફરી મચી ગઇ હતી. કતારગામના હીરાના કારખાનામાં હીરા બોઇલ કરતી વખતે આગ લાગી હતી. કારખાનામાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મુગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનના જવાનોની ટીમને ઘટના સ્થળે જવા રવાના કરાઇ હતી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઇ નથી. પરંતુ આગમાં લાખોનું નુકશાન થયું હોય એમ કહી શકાય છે.
ફાયર ઓફિસર રમેશ ટેલરએ જણાવ્યું હતું કે આગના બનાવની જાણકારી મળતા જ મુગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આગ સામાન્ય હતી પરંતુ ફર્નિચર, મશીન, કોમ્પ્યુટર સહિતની સામગ્રી બળી ગઈ હતી. તેમજ આ આગમાં હર્ષદ કરસિયા નામના વ્યક્તિ હાથમાં સામાન્ય દાઝી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આજે સવારે લસકાણામાં આગ લાગી હતી
ઘટના વહેલી સવારે 4:15 કલાકે બની હતી. લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 176 થી 180 ના ચોથા માળે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ બાદ સરથાણા, કાપોદ્રા, મોટા વરાછા, ARC-કામરેજના ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ જવા માટે રવાના થઇ હતી. તેમજ આ ભીષણ આગમાં ચોથા માળે ફસાયેલા છ કામદારોને રેસ્ક્યુ કરવામાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી હતી. માટે કોઇ જાનહાનિ થઇ ન હતી.