- ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-5ના ચોથા માળના ફ્લેટમાં આગ લાગી: ફ્લેટની અંદર પતિ-પત્ની ઘાયલ અવસ્થામાં પડેલા મળ્યા
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City Fire) આજે સવારે સનસનીખેજ ઘટના બની છે. અહીં એક ફ્લેટમાં સવારે આગ લાગી હતી. આગ લાગ્યાનો કોલ મળતા અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લગભગ એક કલાકમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે મહિલાના પતિને સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે, આ ઘટના આકસ્મિક નહીં પરંતુ ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઈડન 5 ફ્લેટમાં આગ લાગી તે પહેલાં ફ્લેટમાં રહેતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને એપાર્ટમેન્ટમાં નીચે તેઓ ઝઘડો કરી રહ્યાં હતા. ફ્લેટમાં રહેતા દંપતિના બે બાળકો છે. મોટો દીકરો 8માં ધોરણમાં ભણે છે જ્યારે નાની દીકરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. બાળકોને સવારે સ્કૂલે મુકીને આવ્યા બાદ ઘરે આવ્યા ત્યારે એપાર્ટમેન્ટ નીચે તેઓ લડી રહ્યાં હતાં. લડતા ઝઘડતા જ તેઓ ફ્લેટમાં ગયા હતા. ઘરકંકાસના પગલે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં પત્નીનું મોત થયું છે.
ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે, કોલ મળતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-5 બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 405માં આગ લાગી હતી. પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગ કાબુમાં લેવામાં આવી હતી. ફાયરના જવાનો ફ્લેટમાં ગયા ત્યારે ત્યાં ફર્શ પર મહિલા અને પુરુષ પડ્યા હતા. બંનેએ એકબીજાને છરીના ઘા માર્યા હોય તેવું લાગતું હતું. આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે પુરુષને સારવાર માટે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે ફ્લેટ નંબર 405માં અનિલ બઘેલ અને તેની પત્ની અનિતા બઘેલ બે બાળકો સાથે રહેતા હતા. બાળકો સવારે સ્કૂલ ગયા ત્યાર બાદ દંપતિ વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસને આશંકા છે.
પત્નીએ જાતે જ પોતાનું ગળું કાપ્યું, પતિનો ઘટસ્ફોટ
આ મામલામાં હોંશમાં આવ્યા બાદ અનિલ બઘેલનું નિવેદન પોલીસે નોંધ્યું છે. એસીપી ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર અનિલ બઘેલે સમગ્ર ઘટના અંગે પોતાનું નિવેદન આપ્યું છે. અનિલ બઘેલે પોલીસને જણાવ્યું છે કે સવારે નાસ્તા અંગે ઝઘડો થયો હતો. નાસ્તામાં પત્નીએ વાસી બ્રેડ બટર આપી હતી, જે તે પાછો આપવા ગયો હતો. ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની અનિતા બઘેલે ઉશ્કેરાઈ જઈને પતિ અનિલ બઘેલને છરી મારી હતી. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પત્ની અનિતા બઘેલે પોતાના હાથ અને ગળા પર છરી મારી હતી અને ગેસ સિલિન્ડરની પાઈપ કાપી આગ લગાડી દીધી હતી. એસીપી રાણાએ કહ્યું કે, એફએસએલ તપાસ કરી રહ્યું છે. ખરી હકીકત રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.