ભાગેડુ નીરવ મોદીની સુરતના સચીન ખાતે સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોનમાં આવેલી બંધ ફેક્ટરીમાં બે દિવસમાં બે વાર આગ લાગવાની ઘટના બનતાં તંત્ર દોડતું થયું છે.
નીરવ મોદીની જ્વેલરી કંપનીમાં ગુરુવારે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, જે ફાયર વિભાગે કંટ્રોલમાં લીધી હતી, ત્યાર બાદ શુક્રવારે તા. 9 જાન્યુઆરીએ મોડી રાતે ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી, જેને ભીષણ રૂપ ધારણ કર્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોરની આગ પહેલાં માળ સુધી પહોંચી હતી. આગ વિકરાળ બનતા લોકો ગભરાયા હતા, અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બંધ ફેક્ટરીમાં પડેલાં દસ્તાવેજો આગમાં બળીને ખાક થયા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન સવાલ એ ઉઠ્યો છે કે ઈડીએ સીલ કર્યા બાદથી નીરવ મોદીની જ્વેલરી ફેક્ટરીમાં વીજ સપ્લાય બંધ છે. આ ફેક્ટરી વર્ષોથી બંધ છે. અહીં વીજળી, પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નંખાયા છે, તો અહીં આગ કેવી રીતે લાગી?
ફાયર બ્રિગેડ શું કહે છે?
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે સચીન રોડ પર સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી ફાયર સ્ટાર ડાયમંડ જ્વેલરી કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુરુવારે મોડી રાતે આગ લાગી હતી. આગમાં પહેલો માળ પણ ઝપેટમાં આવ્યો હતો.
જાણ થતાં સચીન નોટિફાઈડ ફાયરમાંથી બંબા પહોંચી ગયા હતા. આગ ઓલવવાની કામગીરી લાશ્કરોએ કરી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે ફરી આગ લાગી હતી, જે પહેલાં કરતાં વધુ વિકરાળ હતી. પાલિકાના ફાયર બ્રિગેડને કોલ મળતા લાશ્કરોએ ઘટના સ્થળે જઈ સતત છ કલાક પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઓફિસનો સામાન બળ્યો
આગમાં ઓફિસનો લગભગ તમામ માલ સામાન બળીને ખાક થયચો છે. એ.સી., કમ્પ્યૂટર, ફર્નિચર, તિજોરી, મશીન, સ્ટોરેજ, એલિવેશન, ફાઈલ, વાયરિંગ સહિતની વસ્તુઓ બળી ગઈ છે. બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.