ભરૂચ :દહેજમાં (Dahej) એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ (Blast) સાથે ભીષણ આગની (Fire) હોનારત ધટી હોવાની માહિતી મળતી આવે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે કંપનીમાં બોઇલર ફાટતા આ ભીષણ ઘટના ઘટી હતી.
દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પ્રચંડ ધડાકો થતા સમગ્ર દહેજ હચમચી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જ ફાયરવિભાગને મેજર કોલ આપવામાં આવ્યો હતો. ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. મળતી માહિતી મુજબ 10થી વઘુ ફાયર ટેન્ડરો તેમજ 6 જેટલી એમ્બ્યુલન્સ ધટના સ્થળે દોડી આવી હતી. એક પછી એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.
ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ (GPCB), પોલીસ તેમજ પ્રશાશન ધટના સ્થળે દોડી આવ્યાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 20થી વધુ કામદારો દાઝી જતાં ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્તોને ભરૂચની જુદી જુદી હોસ્પિટલ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જયારે 10ની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્રણ કામદારો 70%થી વધુ દાઝી જતાં વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
મળતી માહિતી મુજબ 10થી વઘુ ફાયર ટેન્ડરોએ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો છેલ્લાં 2 કલાકથી કરવામાં આવ્યાં છે. ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી ૩ થી ૪ કિલોમીટર દૂર સુધી નજરે ચઢતો હતો.
હાલ ઘટનામાં ચોકકસ પણે કેટલા કામદારોને ઇજા કે જાનહાનિ સર્જાઈ તે અંગેની માહિતી મળી આવી નથી. કંપનીમાં બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તે અંગેની પણ માહિતી પણ મળી શકી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયો હોવાની વિગતો જાણવામાં આવી રહી છે. ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તેમજ તપાસ પછી જ બહાર આવી શકશે.