સુરત(Surat): શહેરમાં આગજનીના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. રોજ ક્યાંકને ક્યાંક આગની ઘટના બની રહી છે. થોડા સમય પહેલાં સચિન જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી હતી, ત્યારે આજે મંગળવારે તા. 12મી ડિસેમ્બરના રોજ શહેરના રિંગરોડ પર આવેલી જાણીતી કાપડની માર્કેટમાં (SuratTextileMarket) આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે રિંગરોડના (RingRoad) કમેલા દરવાજા ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ 1માં (MilleniumMarket1) આગ (Fire) ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની જાણ થતાં જ કાપડ માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી. વેપારી, કર્મચારી, ગ્રાહકો માર્કેટની બહાર દોડી જઈ ટોળે વળી ગયા હતા.
માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી. દરમિયાન કોઈકે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયરની ટીમ માર્કેટ તરફ દોડી ગઈ હતી. માનદરવાજા, ડુંભાલ અને નવસારી બજારથી ફાયરની ગાડીઓ માર્કેટમાં આગ ઓલવવા પહોંચી હતી. જોકે, માર્કેટમાં લાગેલી આગના લીધે ધૂમાડો ખૂબ ફેલાઈ ગયો હતો, જેના લીધે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરવાની ફરજ પડી હતી. માસ્ક પહેરીને લાશ્કરો માર્કેટની અંદર આગ ઓલવવા માટે પ્રવેશ્યા હતા.
કાપડના તાકાઓમાં આગ લાગી હતી, જેના લીધે તે ઝડપથી પ્રસરી રહી હતી. ધુમાડો પણ ખૂબ થઈ રહ્યો હતો. ગુંગળામણથી બચવા લાશ્કરો ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ્યા હતા. ઓક્સિજનના સિલિન્ડર પણ સાથે રાખ્યા હતા. લાશ્કરો માસ્ક પહેરી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ રોડ પર ટોળે વળેલા લોકો પણ ગૂંગળામણ અનુભવી રહ્યાં હતાં. તેઓ પણ મોંઢા પર રૂમાલ બાંધવા મજબૂર બન્યા હતા.
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં જ રિંગરોડની એક કાપડ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનોના મામલે સખ્ત કાર્યવાહી કરાઈ હતી. આ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના લીધે ફાયર ડિપાર્ટમેન્ટે માર્કેટને સીલ મારી 1500 દુકાનોને તાળાં લાગ્યા હતા.