નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધને (War) લગભગ 5થી વધુ મહિનાઓ વીતી ગયા છે છતાં પણ આ બંને દેશો વચ્ચે સમાધાન જોવા મળી રહ્યું નથી. રશિયા સતત યુક્રેનના કેટલાક શહેરો પર હુમલો કરી રહ્યો છે. આ સાથે યુક્રેન પણ રશિયાના હુમલાઓનો (Attack) જવાબ આપી રહ્યો છે. મહિનાઓ બાદ પણ રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઈ સમાધાન ન દેખાતા આખરે NATOએ પોતાની ચૂપી તોડી છે. નાટોએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે.
નાટો (NATO) ગ્રુપના વડા અને સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે શુક્રવારે રશિયા-યુક્રેન યુદ્ધ પર કહ્યું કે અમે પીછે હઠ કરવાના નથી. તેમણે કહ્યું કે આ યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાનની શક્યતા વધારવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે યુક્રેનને મદદ કરતા રહેવું. જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે નાટો યુક્રેનને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. નાટો સેક્રેટરી જનરલે કહ્યું, “રશિયા યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત હુમલો કરી રહ્યું છે. આવા સમયે, જેમ જેમ શિયાળો નજીક આવશે, યુક્રેનને વધુ સંસાધનોની જરૂર પડશે.”
નાટો સભ્ય દેશોને પુરવઠો ઝડપી બનાવવા વિનંતી કરશે
નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે આવતા અઠવાડિયે બુકારેસ્ટમાં યોજાનારી નાટોના વિદેશ મંત્રીઓની બેઠકમાં અમે સભ્ય દેશોને વધુ મદદ પુરી પાડવા વિનંતી કરીશું. યુએસ અને નાટોના સભ્યોએ અત્યાર સુધી યુક્રેનને લાંબા અંતરની પેટ્રિયોટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મોકલવાનું ટાળ્યું છે. પેટ્રિઅટ મિસાઈલ સપાટીથી હવામાં મિસાઈલ સંરક્ષણ પ્રણાલી છે. આની મદદથી ઘાતક મિસાઇલોને આવતા અટકાવી શકાય છે. સાથે જ તેનો ઉપયોગ મિસાઈલ લોન્ચર તરીકે પણ થઈ શકે છે.
યુદ્ધ દ્વારા ઉકેલ માટે જરૂરી: નાટો
નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે રશિયા સાથેના યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલનો શ્રેષ્ઠ માર્ગ યુક્રેનને સમર્થન આપવાનો છે. તેમણે કહ્યું કે અમે પાછળ હટવાના નથી. જ્યાં સુધી યુક્રેનને મદદની જરૂર પડશે ત્યાં સુધી નાટો તેની સાથે રહેશે.
જર્મન આપી શકે છે પેટ્રિઅટ મિસાઈલ
થોડા દિવસો પહેલા પોલેન્ડમાં એક મિસાઈલ પડી હતી. જે બાદ જર્મનીએ પોલેન્ડને પેટ્રિઅટ મિસાઈલ ઓફર કરી હતી. પરંતુ પોલેન્ડે જર્મનીને આ મિસાઈલ યુક્રેનને આપવા વિનંતી કરી છે. પોલેન્ડે કહ્યું કે રશિયન મિસાઈલોથી બચવા માટે યુક્રેનને આ મિસાઈલની વધુ જરૂર છે.
આ અંગે નાટો સેક્રેટરીએ કહ્યું છે કે તે જર્મની પર નિર્ભર છે કે તે યુક્રેનને પેટ્રિઅટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપવા માંગે છે કે નહીં. જર્મનીએ પહેલાથી જ યુક્રેનને મિડિયમ રેન્જ આઇરિસ-ટી સિસ્ટમ રશિયન હુમલાઓથી બચાવવા માટે આપી છે. જર્મનીના સંરક્ષણ પ્રધાને ગુરુવારે કહ્યું છે કે અમે યુક્રેનને પેટ્રિઅટ મિસાઇલો મોકલવાના પ્રસ્તાવ પર વિચાર કરીશું. શુક્રવારે જર્મન સરકારના પ્રવક્તાએ કહ્યું કે અમે યુક્રેનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
નાટો શું છે?
નાટોનું પૂરું નામ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (North Atlantic Treaty Organization) છે, જેને ઉત્તર એટલાન્ટિક એલાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાટો જૂથ સુરક્ષા પ્રણાલીનું એક સંગઠન છે, જેના હેઠળ તેના સ્વતંત્ર સભ્ય દેશો બહારના દેશના હુમલાના જવાબમાં પરસ્પર સંરક્ષણ માટે સંમત થાય છે. જેમાં 27 યુરોપિયન દેશો, 2 નોર્થ અમેરિકન દેશો અને 1 યુરેશિયન દેશનો સમાવેશ થાય છે. યુક્રેન પણ તેમાં સામેલ થવા માંગે છે, જેનો રશિયા હંમેશા વિરોધ કરતું આવ્યું છે.